અમદાવાદના નારોલમાં માથાભારે શખ્સોએ બુલેટ પર તલવાર મારી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું | મુંબઈ સમાચાર

અમદાવાદના નારોલમાં માથાભારે શખ્સોએ બુલેટ પર તલવાર મારી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદઃ શહેરમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરીને 15થી વધારે પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં નારોલમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. બાઈક સાઈડમાં લેવા જેવી બાબતે માથાભારે શખ્સોએ બુલેટ પર તલવારના ઘા મારીને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આપણ વાંચો: ઓસ્ટ્રિયાની સ્કૂલમાં ભીષણ ફાયરિંગ: અનેકનાં મોત

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે મિત્રો દ્વારા પહેલાં બાઇક હટાવવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એકાએક મારામારીમાં બદલાયો અને બાદમાં અન્ય ત્રણથી ચાર લોકો હથિયાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તલવાર, બંદૂક અને અન્ય હથિયારો સાથે આખો વિસ્તાર બાનમાં લીધો હતો અને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

સમગ્ર મામલે એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ફાયરિંગની ઘટનાની જાણ થતાં તુરંત તપાસ હાથ ધરી હતી. ઝોન-6ની એલસીબી ટીમને બાતમી મળી હતી કે, બે આરોપી પાસે હથિયાર છે અને તે બંને નારોલના મટન ગલીમાં છુપાયેલા છે. ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપીઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા અને ફાયરિંગ તેમજ તોડફોડ કયા કારણોસર કરી હતી તે વિશે તપાસ હાથ ધરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button