અમદાવાદમાં ₹ ૨ કરોડના ‘તરતા સોના’ સાથે એક શખ્સ ઝડપાયો, જાણો વિગત…

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી, એટલે કે એમ્બરગ્રીસ સાથે એક શખસની ધરપકડ કરી હતી. આ દુર્લભ ‘તરતા સોના’ તરીકે ઓળખતી ઊલટી (એમ્બરગ્રીસ)નો બે કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બે કરોડથી વધુ થયા છે.
આ પ્રકરણમાં વધુ એક ફરાર આરોપી ગણેશ મારવાડીને પકડવા અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી રહી છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ રેકેટનો પર્દાફાશ થઈ શકે.
મળતી વિગત મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો રોડ પાસેના એક ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને રાજુ ઉર્ફે રાજેશ પુનમચંદ મારવાડી નામના એક શખસને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતી સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીનો બે કિલોના જથ્થા જપ્ત કર્યો હતો.
એમ્બરગ્રીસની તસ્કરી એ વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે અને આ કેસમાં તેની આંતરરાષ્ટ્રીય કિંમત જોતાં તેની ગંભીરતા વધી જાય છે.
પકડાયેલા આરોપી રાજુ ઉર્ફે રાજેશ મારવાડી મેઘાણીનગરનો રહેવાસી છે. તેની ઉંમર 43 વર્ષ છે અને તે મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ એમ્બરગ્રીસનો જથ્થો તેને મુંબઇના ગ્રાન્ટ રોડ પર રહેતા ગણેશ બચ્છરાજ મારવાડી નામના એક અન્ય શખસે આપ્યો હતો.
ગણેશ મારવાડી આ કેસમાં મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તે હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો…અમદાવાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવમાં 39 બાળકને બચાવ્યાં