અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે મારામારી કરનારા 11 શખ્સોની ધરપકડ

અમદાવાદ: નવા વર્ષના પવિત્ર દિવસે જ અમદાવાદના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવેલ વ્રજ પ્લાઝામાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બે દુકાન માલિકો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઝઘડામાં રોનક પ્રજાપતિ નામના યુવકને માથામાં ગંભીર ઇજા પહોંચતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
પાલડી વિસ્તારમાં વ્રજ પ્લાઝામાં કપડાનું દુકાન ચલાવતા સાગર પ્રજાપતિ નવા વર્ષના દિવસે વહેલી સવારે તેમના માસીના દીકરા રોનક પ્રજાપતિ, દુકાનના કર્મચારીઓ અને મિત્રો સાથે પોતાની દુકાન બહાર ફટાકડા ફોડી રહ્યા હતા.
આપણ વાંચો: Ahmedabadના જુહાપુરામાં મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત, ત્રણ ઘાયલ
આ સમયે ઉપરના માળે દુકાન ચલાવતા નરેન્દ્રસિંહ રાજપુરોહિત ત્યાં આવ્યા હતા અને “ફટાકડાના તણખલા મારી દુકાન આગળ પાથરેલ કારપેટ પર પડે છે અને નુકસાન થશે” તેમ કહીને રોનક પ્રજાપતિ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો શાંત પાડવાના પ્રયાસ વચ્ચે નરેન્દ્રસિંહ પોતાની દુકાનમાં પરત જઈને લોખંડની પાઇપ અને લાકડાનો દંડો લઈને આવ્યા હતા. તેમની સાથે ૧૦થી વધુ શખ્સો પણ નીચે આવ્યા હતા અને ગાળાગાળી કરીને ઝઘડો ઉગ્ર બનાવ્યો હતો.
આ મારામારી દરમિયાન નરેન્દ્રસિંહે લોખંડની પાઇપ વડે રોનક પ્રજાપતિને માથાના ભાગે ૩-૪ ફટકા મારી દીધા હતા. રોનકને બચાવવા ગયેલા સાગર પ્રજાપતિના જમણા હાથ પર પણ પાઇપના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
માથામાં ગંભીર ઇજા થતાં રોનક પ્રજાપતિને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રોનકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ કામગીરી હાથ ધરી હુમલો કરનાર 11 લોકોની ધરપકડ કરી હતી.