Ahmedabad કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌ વંશ ચોરીના કેસમાં બે આરોપીને 7 વર્ષની સજા…

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે બે આરોપીઓને ગૌ હત્યાના કેસમાં સાત વર્ષની સજા સંભળાવી હતી, આ ઉપરાંત 1.05 લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો.
1 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધારાની છ માસની સજા
મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં ઈમરાન શેખ તેમજ મોહસીન શેખ સામે અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌ હત્યાનો ગુનો નોંધાયો હતો. પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ મામલે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધારાની છ માસની સજા કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસની સફળતા, Cyber Fraud કેસના 2.07 કરોડ રૂપિયા નાગરિકોને પરત કરાયા…
તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ ફાઈલ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ ભેગા મળીને કુબેરનગર ખાતેથી એક પશુપાલકના વાડામાંથી એક ગર્ભવતી ગાય અને એક વાછરડી ચોરીને તેના પગ બાંધીને સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડીમાં નાખીને કતલના ઇરાદે લઈ ગયા હતા. આ મામલે સરદાર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામા આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની જાન્યુઆરી, 2023માં ધરપકડ કરી હતી. તેમજ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ સ્વિફ્ટ ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવી હતી.