અમદાવાદ

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, જાહેરાત બાદ 34 કરોડની આવક

અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નાણાંકીય વર્ષના બજેટની તૈયારી કરવાની સાથે આવક વધારવાના લક્ષ્યાંક ઉપર ખાસ ધ્યાન આપીને પ્રોપર્ટી ટેકસની આવક સરભર કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી હતી. મ્યુનિ. સત્તાધીશોની આ યોજના સફળ રહી છે. મળતી માહિતી મુજબ જાહેરાતના પ્રથમ તબક્કામાં જ 34 કરોડ જેટલી માતબર રકમની આવક થઈ છે, જો કે, ગત વર્ષ કરતાં આ ઘણી ઓછી આવક હોવાથી ઉત્તરાયણના તહેવાર બાદ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્રતાથી હાથ ધરાશે તેમ જાણવા મળ્યુ હતું. મ્યુનિ.કમિશનર અને શાસક ભાજપે ગત વર્ષ કરતાં ઓછી આવક જોઇને ટેક્સ ખાતાને ગત વર્ષ કરતાં વધુ આવક મેળવવા માટે તાકીદ કરી હતી.

ટેકસની આવક 1398.68 કરોડ

અમદાવાદ શહેરના વિસ્તરણ બાદ પ્રોપર્ટી ટેકસની આવક વધી છે. જોકે ગત વર્ષે પ્રોપર્ટી ટેકસની કુલ આવક 1745. 61 કરોડ નોંધાઇ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 9મી જાન્યુઆરી સુધી વિવિધ કારણોસર ટેકસની આવક 1398.68 કરોડ જેટલી થવા પામી છે.જોકે ટેક્સ વસૂલાત માટે કોઇ રાહત આપ્યા વગર સીલીંગ અને જપ્તી જેવા અત્યંત કડક પગલાં ભરવાથી વિવાદ વકરે તેવી સંભાવનાને ધ્યાને લઇ શાસક ભાજપે જાન્યુઆરી મહિનાથી બાકી પ્રોપર્ટી ટેકસ ઉપર ચઢેલાં વ્યાજની રકમમાં માફી આપવાની યોજના જાહેર કરી હતી.

આ પણ વાંચો : ઉત્તરાયણ પહેલા રેલવેએ જાહેર જનતાને કરી મહત્ત્વની અપીલ

ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અગ્રેસર

કોર્પોરેશનના ટેકસ ખાતાએ પણ વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી ટેકસ ભરપાઇ કરવા માટે હજારો કોમર્શિયલ મિલકતધારકોને જાણકારી આપવાનુ શરૂ કરતાં નવ દિવસમાં જ 34 કરોડની આવક થવા પામી છે. ટેક્સની આવકમાં મોટાભાગે પશ્ચિમ ઝોન અગ્રેસર રહેતુ હોય છે, પરંતુ આ વખતે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અગ્રેસર રહ્યાં છે. જ્યારે સૌથી ઓછી આવક હાલ તો ઉત્તર ઝોન ટેક્સ ખાતાની દેખાઇ રહી છે.

અમદાવાદ કોર્પોરેશનના ટેકસ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલાત માટે છેલ્લા બે મહિનાથી કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલતી હતી, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરીમાં મોટાભાગના સ્ટાફને ફાળવી દેવાયો હોવાથી ટેક્સ વસૂલાતની કોઇ કામગીરી થઇ શકી નથી તે બાબત કમિશનરને ધ્યાને લાવવામાં આવી હતી.

ગત વર્ષ કરતાં વધુ આવક લાવવાના પ્રયાસ

જોકે કમિશનરે જાન્યુઆરીમાં શરૂ કરાયેલી વ્યાજમાફી યોજનાનો લાભ લેવા આગળ ન આવે તેવા કોમર્શિયલ મિલકતધારકો સામે ઉત્તરાયણ બાદ મિલકત સીલ અને મિલકત ટાંચમાં લઇ જપ્તી કરવા તેમજ બોજા નોંધ કરાવવા જેવા કડક પગલા શરૂ કરવાની સૂચના આપી દીધી છે. તેમ છતાં ટેકસ ખાતાએ વ્યાજ માફી યોજનાના અમલીકરણ સાથે સીલ ઝુંબેશ શરૂ કરી દીધી છે, પરંતુ એકદમ કડક કાર્યવાહી ટાળી છે. તેના કારણે અત્યાર સુધીમાં સાત ઝોનમાં ફક્ત 500 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી તો દરેક ઝોનમાં રોજના ૫૦૦થી ૧૦૦૦ મિલકતને સીલ મારીને ગત વર્ષ કરતાં વધુ આવક લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા અમદાવાદમાં હોટલ રૂમની કટોકટી, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

ગત વર્ષે કુલ આવક 2254.15 કરોડ થવા પામી

કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં કોઇ કારણોથી પ્રોપર્ટી ટેકસ, પ્રોફેશન ટેક્સ અને વેહિકલ ટેક્સની આવક ગત વર્ષ કરતાં ઓછી થઇ છે. ગત વર્ષે કુલ આવક 2254.15 કરોડ થવા પામી હતી. તેની સામે ચાલુ વર્ષે હજુ 1806 કરોડ જેટલી આવક થઇ છે તે ચિંતાનો વિષય છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button