અમદાવાદમાં કોરોનાએ ઊંચક્યું માથું, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ
ગુજરાતમાં કોરોનાના એક્સએફજી વેરિયન્ટની એન્ટ્રી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે 7 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે સરેરાશ 5 કેસ નોંધાયા હતા.
અમદાવાદના આ વિસ્તારોમાં છે સૌથી વધુ કેસ
અમદાવાદમાં એક જ દિવસમાં 175 જેટલા કોરોનાના કેસો નોંધાયા હતા, જ્યારે 60 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1091 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 761 જેટલા એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 328 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, વાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, થલતેજ, બોપલ, ઘુમા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા,ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા છે.
રાજકોટમાં કોરોનાથી એકનું મોત
રાજકોટમાં કોરોનાના આજે વધુ 9 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 116 પર પહોંચ્યો હતો. કોરોનાથી આજે એક વ્યકિતનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત નિપજ્યું હતું. શહેરમાં આજે 7 દર્દી કોરોના મુક્ત થયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 9 જૂને રાજ્યમાં 235 નવા કેસ નોંધાયા હતા. જ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો હતો. જેમાંથી 33 હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 1076 હોમ આઈસોલેશનમાં છે. 106 સંક્રમિતો કોરોના મુક્ત થયા હતા.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 6815 પર પહોંચ્યા છે. કેરળ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસનો આંકડો 2053 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 324 એક્ટિવ કેસ નોંધાયા હતા અને 3 લોકોનાં મોત થયા હતા.
આ પણ વાંચો - રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ, 55 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મોત
મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાંથી નવા એક્સએફજી વેરિયન્ટના 163 કેસ મળ્યા હતા. જેમાંથી, મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. એક્સએફજી વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન સબ-વેરિયન્ટમાંથી ઉદભવેલો છે.