અમદાવાદમાં દૂષિત પાણીની લાખો ફરિયાદ, તંત્ર ગંભીર ન હોવાનો વિપક્ષનો આક્ષેપ

અમદાવાદઃ ઈન્દોર અને ત્યારબાદ ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે આરોગ્યની ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમદાવાદમાં દૂષિત પાણીની ફરિયાદોની ફાઈલોનો ખડકલો જોતા શહેરમાં પણ સ્થિતિ ગંભીર થઈ શકે છે, તેવી શક્યતા વિપક્ષ સહિત નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.
મનપાના વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.
સત્તાવાર ફરિયાદના આંકડા ટાંકીને, પઠાણે જણાવ્યું હતું કે 2021 થી 2025 દરમિયાન રહેવાસીઓએ પ્રદૂષિત પીવાના પાણી સંબંધિત 3,17,167 ઓનલાઈન ફરિયાદો નોંધાવી હતી, છતાં શહેરના મોટા ભાગોમાં આ મુદ્દો હજુ પણ ઉકેલાયેલો નથી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરા સહિત પાણીજન્ય રોગોના 44,258 કેસ નોંધાયા છે.
આપણ વાચો: ગાંધીનગર બાદ અમરેલીના ગામડાઓમાં દૂષિત પાણીની સમસ્યા, લોકોમાં રોષ
ઈન્દોરમાં દૂષિત પાણીને લીધે દસ જણે જીવ ગુમાવ્યા છે તો ગાંધીનગરમાં પણ એક બાળકીનું મોત થયું છે, તેમ 100 કરતા વધારે દરદી સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલો છે.
સદીઓ જૂની પાઈપલાઈનને લીધે લિકેજ થવાનું ને ગટરનું પાણી મિક્સ થઈ જવાનું વધુ બને છે, આથી જૂના અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા અતિ વિકટ છે, તેમ મનપામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું.
પઠાણના જણાવ્યા મુજબ, મનપાના રેકોર્ડ દર્શાવે છે કે શહેરના 26 વિસ્તારને ઉચ્ચ જોખમી ઝોન તરીકે ઓળખવામાં આવ્યા છે, જ્યારે 150 થી વધુ સ્થળોએ પ્દૂષિત પીવાના પાણીની સમસ્યા યથાવત છે. “શહેરના બજેટમાં કરોડો રૂપિયા છે, છતાં પીવાના પાણીના પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ આવતો નથી,તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.



