Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં(Ahmedabad)યોજાશે. ત્રિ દિવસીય યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત તા. 7 એપ્રિલથી થશે. તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનાર કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ખૂબ મહત્વપૂર્ણ છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસના ‘ઐતિહાસિક’ સંમેલનમાં ભારતનો નકશો ખોટો લગાવ્યોઃ ભાજપ લાલઘૂમ, કોંગ્રેસનું મૌન…
9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિનું સત્ર યોજાશે
ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 8 એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની બેઠકમાં હાજરી આપશે. સીડબલ્યુસીની બેઠક બાદ 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી)નું સત્ર યોજાશે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી હાજર રહેશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સીડબલ્યુસીની બેઠક 8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે શાહીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંકુલમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો પણ આ બેઠકમાં હાજરી આપશે.
સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
8 એપ્રિલની બેઠક બાદ પાર્ટીના નેતાઓ સાંજે શહેરના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાંથી લગભગ 3,000 પ્રતિનિધિઓ આગામી દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એઆઈસીસી સત્રમાં હાજરી આપશે.