અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો

અમાદાવાદઃ શહેરમાં શિયાળાએ જમાવટ કરી છે. અમદાવાદમાં શહેરમાં ચાલુ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વાયરલ ઇન્ફેકશનના કેસમાં પણ ઉછાળો આવ્યો હતો. શહેરમાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 0.3 ડિગ્રી નીચું એટલે કે 27.6°C નોંધાયું હતું, જેના કારણે નાગરિકોએ સવાર અને સાંજ ઠંડા પવનોનો અનુભવ કર્યો હતો. ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ, અમદાવાદ શહેરમાં શિયાળાનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.5 ડિગ્રી ઓછું છે. અગાઉ 12 ડિસેમ્બરે શહેરનું તાપમાન સામાન્ય કરતા 0.1 ડિગ્રી નીચે ગયું હતું.
ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં નલિયા 4.8°C સાથે સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. આ સિવાય કંડલામાં 8°C, અમરેલીમાં 8.6°C અને રાજકોટમાં 9.4°C તાપમાન નોંધાયું હતું. આજે લઘુત્તમ તાપમાન 11°C સુધી જઈ શકે છે. ત્યારા આગામી 48 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
વાયરલ ઇન્ફેક્શન અને નિષ્ણાતોની સલાહ
તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓમાં લાંબા સમય સુધી ઉધરસ, હળવો તાવ અને શરીરના દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હવામાનમાં ફેરફારને કારણે આ સંક્રમણ વધ્યું છે. નિષ્ણાતોએ વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટીક્સનો આડેધડ ઉપયોગ ન કરવા સાવધ કર્યા છે. તેનાથી એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) નું જોખમ વધે છે.
ચાલુ સિઝનના સામાન્ય લક્ષણો
સતત સૂકી ઉધરસ
છીંક આવવી અને નાક-ગળામાં બળતરા
હળવો તાવ અને શરીરનો દુખાવો
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેમાં કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. જે આ સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો વહેલી સવાર તથા મોડી રાત્રે ઠૂંઠવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, જ્યાં અમરેલીમાં 8.6 ડિગ્રી અને રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો ધ્રૂજી ઉઠ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીનું આ મોજું યથાવત રહેવાની શક્યતા છે.



