અમદાવાદ સિવિલમાં 202મું અંગદાન: બ્રેઈનડેડ પુત્રના અંગોનું દાન કરી પિતાએ અનેકને નવજીવન આપ્યું!

અમદાવાદ: ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલને લીવર, હૃદય, બે કિડની, બે આંખોનું દાન મળ્યું હોવાનું સામે આવ્યું હતું. પુત્રનું બ્રેઈનડેડ થતાં પિતાએ પુત્રના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
પિતાએ કહ્યું પીડિત વ્યક્તિની પરિસ્થિતિને સમજી શકુ
મળતી વિગત અનુસાર, અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઈ છેલ્લા ઘણાં સમયથી ખેંચની બીમારીથી પીડિત હતાં. ગંભીર બીમારીથી પીડિતા ધીરજભાઈનું બ્રેઈનડેડ થતાં પિતા ગણપતભાઈએ અંગદાનનો નિર્ણય કર્યો હતો.
ગણપતભાઈએ જણાવ્યું હતું કે, ધીરજ લાંબા સમયથી બીમારીથી પીડાતો હતો. એટલે હું બીમારીથી પીડિત વ્યક્તિની પરિસ્થિતિને સારી રીતે સમજી શકુ છું. જેથી બીમારીથી પીડિતને નવું જીવન મળે અને સારુ જીવન જીવી શકે તે માટે મારા પુત્રના અંગોનું દાન કરવાનું વિચાર્યુ હતું.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
આજદિન સુધીમાં કુલ ૨૦૨ અંગદાન થયા
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિતલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૨ અંગદાન થયા છે હતાં. જેના દ્વારા કુલ 664 અંગોનું દાન મળ્યું હતું. જે થકી ૬૪૫ લોકોને નવજીવન પ્રદાન થયું છે. ધીરજભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૭ લીવર, ૩૬૮ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૫ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.