
અમદાવાદઃ શહેરમાં અકસ્માતની સંખ્યામાં થઈ રહેલા વધારાના કારણે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં 339 નવા બમ્પ બનાવવામાં આવશે. જે પૈકી 75 ટકા સ્પીડ બ્રેકર પશ્ચિમ અમદાવાદમાં બનાવવામાં આવશે. જાન્યુઆરી 2024 થી મે 2025 ની વચ્ચે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 339 સ્પીડ બ્રેકર્સ ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં દરેક ચાર સ્પીડ બ્રેકરમાંથી ત્રણ પશ્ચિમ વિસ્તારોમાં બનાવવા મંજૂરી આપવામાં આવી હતી.
પશ્ચિમ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંનેએ ટ્રાફિકને નિયંત્રિત કરવાના પગલાં માટે સખત દબાણ કર્યું હતું. સૂત્રોએ કહ્યું કે આ જરૂરિયાત અને વિનંતીઓ પર આધારિત છે, જ્યારે શહેરના પૂર્વ વિસ્તારના રહેવાસીઓ દલીલ કરી કે તેમની સાથે ભેદભાવ રાખીને તેમને પાછળ રાખવામાં આવ્યા હતા.
જાન્યુઆરી 2024 થી મે 2025 વચ્ચે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશ્ચિમ ઝોનમાં સ્પીડ બ્રેકર્સ માટે 257 (75.8 ટકા) અરજીઓને મંજૂરી આપી હતી અને પૂર્વમાં માત્ર 82 (24.2 ટકા) અરજીઓને મંજૂરી આપી હતી. આમાંથી શહેરમાં 240 થી વધુ સ્પીડ બ્રેકર્સ બનાવવામાં આવ્યા છે.

2006 થી 2022 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પીડ બ્રેકર્સ માટે 892 અરજી મળી હતી, પરંતુ તેમાંથી માત્ર 180 ને જ મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 570 થી વધુને નકારી કાઢવામાં આવી હતી. તેનાથી વિપરીત, છેલ્લા બે વર્ષમાં અરજીઓની સંખ્યામાં વધારો થયો હતો. 2023 માં 100 અરજીઓમાંથી 50થી વધુને મંજૂરી આવી હતી. 2024માં આ સંખ્યામાં થોડો વધારો થયો હતો. 2025માં અત્યાર સુધીમાં 339 અરજી મળી હતી.
એએમસીના સૂત્રોના કહેવા પ્રમાણે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાંથી સ્પીડ બ્રેકર્સ માટેની અરજીઓમાં વધારો થયો છે. પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને એસ જી હાઈવે અને તેની આસપાસના એરિયામાં અકસ્માતની ઘટના વધતાં વધુ પ્રમાણમાં અરજી આવી છે. છેલ્લા એક મહિનામાં નવરંગપુરાના નવરંગ સ્કૂલ રોડ, જોગર્સ પાર્ક રોડ, ભીમજીપુરા ક્રોસરોડ રોડ અને બાલોલનગર રોડ સહિત પશ્ચિમ વિસ્તારોમાં 25 થી વધુ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા બે વર્ષમાં ઓવરસ્પીડિંગને કારણે કેટલાક જીવલેણ હિટ એન્ડ રન તેમજ ગંભીર અકસ્માતો થયા છે. તેથી જે રસ્તાઓ પર ઓવરસ્પીડિંગ અને અકસ્માતોના કેસો વધી રહ્યા છે ત્યાં સ્પીડ બ્રેકરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો અથવા સાર્વજનિક જગ્યાઓ નજીક સ્પીડ બ્રેકરો બનાવવામાં આવી રહ્યા છે.
પૂર્વના વિસ્તારોના રહેવાસીઓના કહેવા મુજબ તેમની જરૂરિયાતોને અવગણવામાં આવી રહી છે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, જૂના અમદાવાદમાં શાળાઓ નજીકના રસ્તાઓ પર સ્પીડ બ્રેકરો હતા, પરંતુ એએમસી દ્વારા તેમને હટાવી દેવામાં આવ્યા હતા. જમાલપુરમાં અંજુમન સ્કૂલ સામેના રસ્તા પરથી, દૂધેશ્વરમાં દધીચી બ્રિજ તરફ જતા ખૂણાના રસ્તા પરથી, અને ખાનપુરમાં કામા હોટેલ પાછળના સાબરમતી રિવરફ્રન્ટ સ્ટ્રેચ પરથી સ્પીડ બ્રેકરો હટાવી દેવામાં આવ્યા હતા અને તે જ સ્થળોએ અકસ્માતો વધ્યા છે.
1 કિમીના પટ્ટા પર 13 સ્પીડ બ્રેકર્સ
એક વર્ષ પહેલા ગાંધી આશ્રમ નજીક 500 મીટરનો રસ્તો બંધ કરવાના એએમસીના નિર્ણયે ટ્રાફિકને નોંધપાત્ર રીતે અસર કરી હતી. આ બંધને કારણે મોટાભાગના વાહનો રામજી બાડિયા રોડ પર વાળવામાં આવ્યા હતા, જેનાથી નજીકની 10 થી વધુ સોસાયટીઓના રહેવાસીઓને અસુવિધા થઈ હતી. વધેલા ટ્રાફિકના પરિણામે રામજી બાડિયા રોડ પર આઠ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. તેમજ કાર્ગો મોટર્સને જોડતા રસ્તા પર પાંચ નવા સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા હતા, જેનાથી કાર્ગો મોટર્સથી રામજી બાડિયા રોડ સુધીના 1 કિમીના પટ્ટા પર કુલ 13 સ્પીડ બ્રેકરો થયા છે.