Top Newsઅમદાવાદ

અમદાવાદ શહેરના છ ઓવર બ્રિજનું 63 કરોડના ખર્ચે સમારકામ કરાશે…

અમદાવાદ: અમદાવાદ શહેરના સુભાષબ્રિજ અને ગંભીરા બ્રિજની ઘટના બાદ હવે શહેરમાં આવેલા અન્ય છ બ્રિજના સમારકામ કરાશે. અમદાવાદ મનપાની રોડ કમિટી દ્વારા ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ, ચામુંડા રેલવે ઓવરબ્રિજ, કેડિલા રેલવે બ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ અને ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ અને ચીમનભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજ રિપેરિંગ કામ માટે ટેન્ડર મંજૂર કરાયું છે. 63 કરોડના ખર્ચે છ બ્રિજ પર પેડસ્ટલના ટોપ અને ગર્ડરના બોટમમાં ગેપ ખૂબ જ ઓછી હોઈ અને બેરિંગ ડિસ્ટ્રેસ થયેલી હોઈ જેને બદલી નાખવાના કામ કરાશે.

1994માં બનેલો ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ રિપેર કરવામાં આવશે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) દ્વારા શહેરમાં આવેલા કુલ 78 જેટલા બ્રિજનું સર્વે કરવામાં આવ્યું હતું. સર્વે બાદ મનપાએ શહેરના છ મહત્ત્વના અને જૂના ઓવરબ્રિજમાં વ્યાપક રિપેરિંગ કરવાની મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મનપા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર વર્ષ 1985માં બનેલો ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ, વર્ષ 1990નો ચામુંડા ઓવરબ્રિજ, વર્ષ 1996નો કેડીલા ઓવરબ્રિજ, વર્ષ 1998નો નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ, વર્ષ 2000નો ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ તેમજ વર્ષ 1994માં બનેલો ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ રિપેર કરવામાં આવશે.

15 વર્ષની ગેરંટી ધરાવતા નવા બેરિંગ લગાવવામાં આવશે

બ્રિજના સમારકામ દરમિયાન અલગ અલગ બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવશે. તમામ છ બ્રિજમાં કુલ 1776 બેરિંગ બદલવામાં આવશે, જેમાં 15 વર્ષની ગેરંટી ધરાવતા નવા બેરિંગ લગાવવામાં આવશે. મનપા દ્વારા બ્રિજના સમારકામ દરમિયાન વાહનવ્યવહાર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે બ્રિજની નીચે આવેલી દુકાનો દૂર કરીને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ તમામ છ બ્રિજના સમારકામ માટે અમદાવાદ મનપા દ્વારા અંદાજે 63 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. શહેરના જૂના અને મહત્ત્વના બ્રિજની સુરક્ષા વધારવા દિશામાં મનપાનું આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મનપા ડેપ્યુટી સિટી ઇજનેર જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, બ્રિજોમાં ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા સૂચવેલ ડિઝાઇન લોડ મુજબની નવી ઇલાસ્ટોમેરીક બેરિંગ હયાત સ્પાન લિફ્ટ કરી ઇન્સ્ટોલ કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે.

ગિરધરનગર રેલવે ઓવરબ્રિજ (1985) : (390 નંગ બેરિંગ)ચામુંડા રેલવે ઓવરબ્રિજ (1990): (658 નંગ બેરિંગ)કેડીલા રેલવે ઓવરબ્રિજ (1996): (112 નંગ બેરિંગ)નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ (1998): (310 નંગ બેરિંગ)ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ (2000): (120 નંગ બેરિંગ)ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ (1994) તથા અન્ય: (156 નંગ બેરિંગ) બ્રિજોમાં બેરિંગ રિપ્લેસમેન્ટ કરાશે.

કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરી કુલ 1746 બેરિંગ રિપ્લેસમેન્ટ

આ બ્રિજોના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરી કુલ 1746 બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરીનો સમાવેશ કરેલ છે. આ બ્રિજોમાં બેરિંગ રિપ્લેસમેન્ટ માટે સ્પાન લિફ્ટિંગની મેથડોલોજી ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે. બ્રિજોમાં હાલની પરિસ્થિતિ મુજબ નીચે ગોડાઉનો તથા દુકાનો આવેલ હોઈ જે સુપરસ્ટ્રકચર સુધી બનાવેલ હોઈ તેને ઉપરના ભાગેથી કામગીરી કરવા માટે સ્પાનવાઇઝ જગ્યા ખુલ્લા કરી લિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે.

માઇનોર રિપેરિંગની કામગીરી કરવામાં આવશે.

જે બ્રિજોમાં સ્પાન લિફ્ટિંગ માટે હાઇડ્રોલિક એરેન્જમેન્ટ રાખવા માટે જગ્યા ન હોય તેવા સ્પાનમાં અલગથી ટેમ્પરરી સપોર્ટ સ્ટીલસ્ટ્રકચર તૈયાર કરી પ્રોપર સેફટી સાથે સ્પાન લિફ્ટિંગ કરવાની કામગીરી કરવાનો સમાવેશ કરેલ છે. બેરિંગ રિપ્લેસમેન્ટ માટે સ્પાન લિફ્ટિંગ કર્યા બાદ હયાત બેરિંગ રીમુવ કરી નવી બેરિંગ ઇન્સ્ટોલ કરવા માટે પીઅરકેપ, પેડસ્ટલ અને એબટમેન્ટના ટોપ ઉપર જરૂરિયાત મુજબ પ્રોપર સફાઈ કરી લાઇન લેવલ માટે એપોકસી બેડિંગ કરવાની કામગીરી કરવામાં આવશે, તેમજ જરૂરિયાત મુજબ માઇનોર રિપેરિંગની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો…સુભાષ બ્રિજનું નવનિર્માણ: રૂપિયા 250 કરોડના ખર્ચે પહોળો અને ફોરલેન બ્રિજ બનાવાશે…

પ્રોપર સેફટી સાથે લોઅરિંગ કરી સ્થાનને મૂળ પરિસ્થિતિમાં લાવવામાં આવશે

નવી બેરિંગ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રોપર સેફટી સાથે લોઅરિંગ કરી સ્થાનને મૂળ પરિસ્થિતિમાં લાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન ટ્રાફિકમાં અસર ન પડે તે માટે બ્રિજ ઉપર નવી ટેકનોલોજી મુજબ ટેમ્પરરી બેલી સ્ટ્રકચર તથા જરૂરી સાઇનેજીસ તેમજ ટ્રાફિક માર્શલ રાખી લાઇટ વ્હીકલની અવર જવર ચાલુ રાખી બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવશે. જેથી બ્રિજને બંધ કરવાની જરૂરિયાત ઊભી થશે નહીં અને જણાવેલ બ્રિજ પાસે કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ઊભી થશે નહીં.

બેરિંગ માટે 15 વર્ષની ગેરંટી લેવામાં આવશે

બ્રિજના સ્પાન લિફ્ટિંગ કરી બેરિંગ બદલવાની કામગીરી માટે એજન્સી પાસેથી ઇન્સ્યોરન્સ મેળવી કામગીરી કરવામાં આવશે. આ કામગીરીમાં નવી બેરિંગ માટે 15 વર્ષની ગેરંટી લેવામાં આવશે. આ કામગીરીમાં વર્ષ 2018 માં સુભાષ બ્રિજના સ્પાન લિફ્ટિંગ કરી બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી માટે બહાર પાડેલ ટેન્ડર આધારિત ભાવ લેવામાં આવેલા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button