અમદાવાદમાં છઠ ઘાટ પર તંત્ર દ્વારા ભવ્ય આયોજનઃ 5000થી વધુ શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થશે

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. શહેરમાં છઠ પૂજાને લઈ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળો છઠ્ઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પૂજા ઘાટ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છઠ્ઠના દિવસે સાંજે પાંચ વાગ્યાથી પૂજાની શરુઆત થશે.
ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ્ઠ પૂજાઘાટ ખાતે દર વર્ષે 5000થી વધુ શ્રદ્ધાળુઓ પૂજા માટે એકઠા થતા હોય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વસવાટ કરતાં ઉત્તર ભારતીયો માટે પણ છઠ્ઠ મહાપૂજાને લઈને ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સુધીની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: 50 લાખ શ્રદ્ધાળુઓ માટે રેલવેની ભેટ: છઠ પૂજાને લઈ ગુજરાતથી 60થી વધુ એકસ્ટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય…
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છઠ પૂજા ઉત્તર ભારતીય સમુદાય માટે આસ્થાનું એક મોટું અને મહત્ત્વપૂર્ણ પર્વ છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના લોકો વસે છે, જે આ તહેવારને અહીં પણ એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવે છે. છઠ પૂજાનું સૌથી મોટું અને મુખ્ય આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર, ખાસ કરીને ઇન્દિરા બ્રિજ પાસેના છઠ્ઠ ઘાટ ખાતે થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં દર વર્ષે શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.



