કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી

અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના બોર્ડ ઓફ ડિસિપ્લિને અમદાવાદ સ્થિત 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) સામે સુનાવણી શરૂ કરી છે. આ સીએ પર રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (આરયુપીપીએસ)ને નકલી દાનની સુવિધા આપવાનો આરોપ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના આવકવેરા વિભાગે તપાસ બાદ આ સીએ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં દાતાઓએ ચેક દ્વારા રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝને પૈસા મોકલ્યા હતા અને બાદમાં કમિશન કાપીને રોકડ પાછી મેળવી હતી. સૂત્રોના મતે આવકવેરાની પૂછપરછ દરમિયાન ઘણા સીએએ આવી લેવડ-દેવડમાં મદદ કરી હોવાનું સ્વીકાર્યું હતું.
આપણ વાંચો: કુરિયરનાં કૌભાંડી પાર્સલ નિર્દોષને બેવકૂફ બનાવવાનો તગડો ત્રાગડો!
આસીએઆઈની શિસ્તભંગની સુનાવણી જુલાઈમાં અમદાવાદમાં શરૂ થઈ હતી, જેમાં મોટા ભાગના આરોપીઓએ આવકવેરા અધિકારીઓ સમક્ષના તેમના સ્વીકાર્ય નિવેદનોથી વિપરીત આરોપોને નકારી કાઢ્યા હતા. બોર્ડ હાલમાં બંને પક્ષના પુરાવાઓની ચકાસણી કરી રહ્યું છે અને આગામી સુનાવણી સપ્ટેમ્બરમાં થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે નાણાકીય વર્ષના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો દોષી ઠેરવવામાં આવશે, તો સીએને આઈસીએઆઈના સભ્યપદમાંથી અમુક સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, નાણાકીય દંડ થઈ શકે છે અથવા બંને સજા થઈ શકે છે.”
આવકવેરા વિભાગની રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝની તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં હજારો કરદાતાઓએ રાજકીય પક્ષોને દાન માટે આવકવેરાની કલમ 80 જીજીસી હેઠળ કપાતનો દાવો કર્યો હતો. જોકે, તપાસમાં સામે આવ્યું કે ઘણી રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ કમિશન કાપીને દાનની રકમ રોકડમાં પરત કરતી હતી.