અમદાવાદમાં પત્નીની આંખ સામે તેના પૂર્વ પ્રેમીએ પતિને માર્યા છરીના ઘા!

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક ૨૫ વર્ષીય મહિલાએ તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ તેના પતિ પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ દંપતી પોતાના નવા ફ્લેટના બિલ્ડરને મળવા જઈ રહ્યું હતું.
હિંમતનગરનો રહેવાસી આરોપી યુવક અચાનક ચાલુ કારમાં ઘૂસી ગયો હતો અને મહિલાના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. પત્નીએ કરેલી ફરિયાદ મુજબ, હુમલાખોરે પતિના ડાબા હાથ પર, ગરદનની નજીક અને શરીરના અન્ય ભાગો પર છરીના ઘા માર્યા હતા.
બનાવની વિગતો મુજબ, પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા પતિને હુમલામાં અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ જીવલેણ હુમલાને જોઈને પત્નીએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. જગતપુર બ્રિજ પાસે, સનરાઇઝ હોમ્સ ફ્લેટ નજીક થયેલા આ હુમલા અને હોબાળાને કારણે આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું, જેના પગલે હુમલાખોર પોતાનો પ્લાન અધૂરો મૂકીને સ્થળ પરથી નાસી ગયો હતો.
ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેમના શરીર પરના ઘામાં આશરે ૭૦ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર મળ્યા બાદ હાલમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચાંદખેડા પોલીસે આ સમગ્ર મામલે ખતરનાક હથિયાર વડે ઇરાદાપૂર્વક ઈજા પહોંચાડવા બદલ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.



