
અમદાવાદ: શહેરમાં બનતી ક્રાઈમની ઘટનાઓને કાબૂમાં લેવા શહેર પોલીસે સીસીટીવીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને લોક ભાગીદારીથી શહેરમાં અત્યાર સુધીમાં 22 હજાર 774 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે. સીસીટીવી પ્રોજેક્ટના કારણે અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો હોવાનો દાવો અમદાવાદ પોલીસ કમિશનરે કર્યો હતો. જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં લૂંટની ઘટના 100 ટકા, ઘરફોડ ચોરીમાં 56.17 ટકા અને ચોરીની ઘટનામાં 37.38 ટકા ઘટાડો થયાની વિગતો પોલીસે જાહેર કરી હતી.
પોલીસ કમિશનરે શું કહ્યું
શહેરમાં કાયદા અને વ્યવસ્થાને મુદ્દે ચર્ચા કરવા અને સૂચનો મેળવવા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. પોલીસ કમિશનરે શહેરના પીઆઇ સહિતના તમામ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી હતી. સાથે સાયબર ક્રાઇમ અને મોટા બંદોબસ્તની ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, શહેરમાં ક્રાઇમની સ્થિતિ કાબૂ હેઠળ છે. પોલીસે સીસીટીવીનો પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. લોકો પાસે જઈ સોસાયટીઓ સાથે સીસીટીવી મામલે પીઆઇ મીટિંગ કરી અત્યાર સુધી 22774 કેમેરા લોકોએ લગાવ્યા છે. તેનાથી પોલીસને ખૂબ મદદ મળી રહી છે. જૂન માસ સુધીમાં કુલ ફર્સ્ટ પાર્ટના ગુના જોતા વર્ષ 2023 જૂન માસ સુધીના ફર્સ્ટ પાર્ટના ગુના 6534 હતા તેવી જ રીતે વર્ષ 2024 જૂન માસ સુધીનો ફર્સ્ટ પાર્ટના ગુના 5075 જ્યારે વર્ષ 2025 જૂન માસ સુધીના ફર્સ્ટ પાર્ટના ગુના 4853 છે. એટલે એકંદરે ફર્સ્ટ પાર્ટના ગુનામાં ઘટાડો થયો છે.
ધાડની ઘટના 100 ટકા ડિટેક્ટ થઈ
સીસીટીવી કેમેરા લગાવવાથી ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તથા ચોરીઓના ગુનાના ડિટેક્શનમાં વધારો થયો છે. અમદાવાદમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 3 ધાડની ઘટના બની છે જે 100 ટકા ડિટેક્ટ થઈ છે. તેવી જ રીતે જાન્યુઆરીથી જૂન 2024 સુધી લૂંટની 55 ઘટનાઓ બની જેમાંથી 48 ડિટેક્ટ થયા જ્યારે જાન્યુઆરી થી જૂન 2025 સુધી લૂંટની 36 ઘટના બની અને તમામ 36 ડિટેક્ટ થઈ. જાન્યુઆરીથી જૂન 2024 સુધીમાં ઘરફોડ ચોરી 170માંથી 72 ઘટના ડિટેક્ટ થઈ જ્યારે જાન્યુઆરીથી જૂન 2025 સુધીમાં 162માંથી 91 ઘટના ડિટેક્ટ એટલે કે ગુનો ઉકેલવામાં 56.17 ટકા સફળતા મળી છે.
તેવી જ રીતે જાન્યુઆરીથી જૂન 2024માં 1947 ચોરીની ઘટનાઓમાંથી 601 ઘટના ડિટેક્ટ થઈ હતી. જ્યારે જાન્યુઆરીથી જૂન 2025 સુધીમાં 1763માંથી 659 ચોરીની ઘટનાઓ ડિટેક્ટ થઈ હતી. આમ સીસીટીવી કેમેરા વધુ લગાવવાથી ગુનો શોધવાની કામગીરીમાં સતત વધારો થયો છે.