ગેમિંગના શોખમાં મેનેજર બન્યો 'ઠગ': શોરૂમની 68 ગાડીઓ બારોબાર વેચીને આચરી 9.71 કરોડની છેતરપિંડી | મુંબઈ સમાચાર

ગેમિંગના શોખમાં મેનેજર બન્યો ‘ઠગ’: શોરૂમની 68 ગાડીઓ બારોબાર વેચીને આચરી 9.71 કરોડની છેતરપિંડી

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં આવેલ એક કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે રૂ. 9.71 કરોડની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. બંને આરોપીઓએ કુલ 68 જુની ગાડીઓ ગ્રાહકો કે કંપનીને જાણ કર્યા વિના બારોબાર વેચી નાખી હતી, જો કે કંપનીના ઓડીટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

કારના શોરૂમમાં છેતરપિંડી

મળતી વિગતો અનુસાર આ ઘટના અમદાવાદના કારગિલ ચાર રસ્તા પાસે આવેલા ડી.જે. ઓટો હાઉસ શોરૂમની છે. આ શોરૂમ ટોયોટા કારની ડીલરશિપ ધરાવે છે. અહીં નવી કારના વેચાણ ઉપરાંત એક્સચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ કારનો પણ વેપાર થાય છે. શોરૂમના જનરલ મેનેજર સમીર શર્મા અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્ત યુ ટ્રસ્ટ વિભાગમાં જૂની કારની ખરીદ-વેચાણનું કામ સંભાળતા હતા. તેમનું કામ કારનું નિરીક્ષણ કરીને કિંમત નક્કી કરવાનું અને ત્યારબાદ તેનું વેચાણ કરવાનું હતું. આ માટે તેમને કમિશન પણ મળતું હતું.

આ પણ વાંચો: સુરતમાં 963 કરોડના સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ઓનલાઈન ગેમિંગનો ખેલ, 8 જણની ધરપકડ…

ઓડિટમાં કૌભાંડનો પર્દાફાશ

ગત 23 જુલાઈએ જ્યારે કંપનીનું ઓડિટ થયું, ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો. ઓડિટમાં જાણવા મળ્યું કે 53 જૂની કારનો હિસાબ જ નહોતો. આ ઉપરાંત, 15 એવી ગાડીઓ હતી, જેના દસ્તાવેજોમાં ઉલ્લેખ હતો, પરંતુ તેના નાણાં કંપનીમાં જમા થયા નહોતા. આ કાર ગ્રાહકો પાસેથી ખરીદીને બારોબાર વેચી દેવામાં આવી હતી અને તેની રકમ ગ્રાહકો કે કંપનીને આપવામાં આવી નહોતી.

કુલ મળીને 68 ગાડીઓની રૂ. 9.71 કરોડની છેતરપિંડી સામે આવતાં, સોલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સમીર શર્મા અને ચિરાગ દત્તની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ચિરાગ દત્ત ઓનલાઈન ગેમિંગમાં ઘણા પૈસા હારી ગયો હતો. આ દેવું ચૂકવવા માટે તેણે આ કૌભાંડ આચર્યું હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button