અમદાવાદના વેપારીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચે ₹1 કરોડ ગુમાવ્યા

અમદાવાદ: આજકાલ છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવે છે. અમદાવાદના વેપારી સાથે દિલ્હીની ફેશન ડિઝાઇનરના નામે શેરમાં રોકાણ કરાવની રૂપિયા એક કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા ભોગ બનનાર વેપારીનો સંપર્ક એક વ્યક્તિએ કર્યો હતો, જેણે પોતાને દિલ્હીની ફેશન ડિઝાઇનર તરીકે ઓળખાવી હતી. આ વ્યક્તિએ વેપારીને ઊંચા વળતરનું વચન આપીને એક ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરવા સમજાવ્યો હતો.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીએ મને નફાના સ્ક્રીનશોટ મોકલ્યા હતા અને દાવો કર્યો હતો કે વિદેશમાં રહેતા તેના કાકા તેને ટ્રેડિંગ ટિપ્સ આપે છે જે હંમેશા સફળ રહે છે. ફરિયાદીએ જણાવ્યું કે આરોપી, જે મુખ્યત્વે વૉટ્સએપ દ્વારા વાતચીત કરતી હતી, તેણે એક ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક આપી અને તેને સાઇન-અપ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. મને ઊંચા વળતર માટે વિવિધ શેરમાં રોકાણ કરવાનું કહેવામાં આવ્યું, અને શરૂઆતમાં મને થોડો નફો પણ મળ્યો હતો.
બે મહિનાના ગાળામાં, વેપારીએ ૧૭ ટ્રાન્ઝેક્શન કર્યા, જેમાં આરોપી દ્વારા આપવામાં આવેલા વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹ 1 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. વેપારીએ કહ્યું, મને મારા વૉલેટમાં ₹ 2.2 કરોડથી વધુનું બેલેન્સ બતાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે મેં પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મને કહેવામાં આવ્યું કે મારું ખાતું સસ્પેન્ડ થઈ ગયું છે. ત્યારબાદ આરોપીએ ફંડ રિલીઝ કરવા માટે ટેક્સ તરીકે વધારાના ₹ 60 લાખની માંગણી કરી હતી.
જે બાદ મને ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપિંડી થઈ છે, તેથી મેં ફેશન ડિઝાઇનરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેણે આખરે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આ પછી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: આ છે ગુજરાત મોડલ, રાજ્યમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે



