અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાવી 10 કરોડ માંગનારા કયા ગુજરાતી નેતાની થઈ ધરપકડ ?

અમદાવાદઃ શહેરના જાણીતા બિલ્ડરને હનીટ્રેમાં ફસાવી 10 કરોડ માંગનારા ગુજરાતી નેતા અને યુવતીની પોલીસે ધરપકડ કરી હતી. સ્પાય કેમેરાથી બિલ્ડરનો યુવતી સાથે સંબંધ બાંધતો વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરીને 10 કરોડ માંગવામાં આવ્યા હતા. મળતી વિગત પ્રમાણે, મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો.
મહિલાએ ફરિયાદી યુવક સાથેની અંગત પળોનો વીડિયો છૂપી રીતે રેકોર્ડ કરી લીધો હતો. તે પછી આ વીડિયોના ઉપયોગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાએ આ વીડિયો તેના સાથીદાર એવા ગુજરાત એનસીપીના ઉપપ્રમુખ અને એક ન્યુઝ પેપરના તંત્રીને પણ આપ્યો હતો. આ પછી બંનેએ સાથે મળીને ફરિયાદી યુવકને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
યુવતીએ એક ઘરમાં બિલ્ડર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ NCP ઉપપ્રમુખ અને પત્રકાર અશ્વિન ચૌહાણે બિલ્ડરનો સંપર્ક કરી તેને વોટ્સએપમાં વનટાઈમ વ્યૂમાં એક નાનો વીડિયો મોકલ્યો હતો. જેમાં બિલ્ડર યુવતી સાથે અંગત પળો માણી રહ્યો હતો. અશ્વિન ચૌહાણે આ વીડિયો સુનિતા રાજપૂત નામની યુવતીએ આપ્યો હતો.
લાંબા સમય સુધી અશ્વિને બિલ્ડર સાથે વાતચીત કરી આ વીડિયો સમાચારમાં ન લેવા માટે 10 કરોડની માગ કરી હતી. આ વીડિયો બાબતે વાતચીત કરીને થોડા સમય અગાઉ અશ્વિને અંતે 7 કરોડની માગ કરી હતી. જોકે, બિલ્ડરે આ બધાથી કંટાળી પોલીસના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીએ સાયબર ક્રાઈમનો સંપર્ક કરાવતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી અને અશ્વિન ચૌહાણની ધરપકડ કરી હતી. જે યુવતીએ બિલ્ડર સાથે સંબંધ બાંધ્યો હતો તે પણ આ કેસમાં સામેલ છે કે કેમ તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
પોલીસે શું કહ્યું
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક હની ટ્રેપ અને ખંડણીના ષડયંત્રમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં એક ન્યુઝ પેપરના તંત્રી અને મુખ્ય માસ્ટરમાઇન્ડ મહિલાએ ફરિયાદી યુવકનો એક અંગત વીડિયો સ્પાય કેમેરાથી તેની જાણ બહાર બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાઈરલ ન કરવા કરોડો રૂપિયાની ખંડણી માગી હતી.



