અમદાવાદના બિસ્માર માર્ગો મુદ્દે મનપા અધિકારીઓને કોણે ખખડાવ્યા, જાણો

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ 8 ડિસેમ્બરના રોજ તેમની વિધાનસભાના ઓઢવ અને ઇન્દ્રપુરી વિસ્તારમાં રૂ. 62 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ શું કરી ટકોર
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટકોર કરી હતી કે, આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ નવા રોડ બનાવો ત્યાં પહેલાથી પ્લાનિંગ કરો. ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને ઈલેક્ટ્રીકની લાઈન નાખવાની હોય તો પહેલાથી જ એવું પ્લાનિંગ કરો કે 10 વર્ષ સુધી કોઈ એક નાનું ત્રિકમ પણ ન મારે અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ નાગરિકોની પણ આ જવાબદારી છે.
જગદીશ વિશ્વકર્માએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં તમામ મુખ્ય રોડ, સોસાયટીના 70:20:10 રોડ, આંતરિક રોડ અને વ્હાઈટ ટોપિંગ સહિતના તમામ રોડનું પહેલાથી જ પ્લાનિંગ કરવું જોઈએ. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓની આ જવાબદારી છે. કોઈપણ રોડ બનાવો ત્યારે તેનું પહેલાથી જ પ્લાનિંગ કરી દો. રોડ બનાવતા પહેલાં ઈલેક્ટ્રીકનું કામ, ટેલીફોનનો વાયર નાખવાનું, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોમ વોટરનું કામ હોય તમામ બાબતોની પહેલાથી ચકાસણી કરી લેવામાં આવે. ડ્રેનેજની લાઇન કેટલા સમય પહેલા નાખવામાં આવી સ્ટ્રોંગ વોટર લાઈન છે કે નહી અને તેનો ઢાળ છે કે નહીં વગેરે તપાસ કરી પછી રોડ બનાવો જોઈએ.
આ પણ વાંચો : ગુજરાતમાં ખાડાવાળા રસ્તાઓ બન્યા ‘જીવલેણ’: દર મહિને 80ના મોત
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તૂટેલા રોડ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ
વધુમાં તેમણે અધિકારીઓને ટકોર કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના મુખ્યપ્રધાન પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય. સ્થાનિક નાગરિકો, કોર્પોરેટરો અને અધિકારીઓએ તેમાં તકેદારી રાખવાની હોય છે. રોડ બનાવતા પહેલા તેનો એક અથવા બે વર્ષનો સર્વે કરવામાં આવે જેમાં ડ્રેનેજ કેટલી વખત ઉભરાય છે. સ્ટ્રોમ વોટરની ક્યાં સમસ્યા છે. રોડ બનતા પહેલા પણ ટોરેન્ટ પાવરમાં જાણ કરો કે અહીંયા રોડ બનવાનો છે જો તમારે ખોદકામ કરવાનું હોય તો અત્યારે જ કરી દો. પાછળથી પછી તેઓને એનઓસી આપવામાં આવતી નથી.



