ગોદડા-સ્વેટર કાઢી રાખોઃ અમદાવાદમાં છેલ્લા દસકાનો રેકોર્ડ તૂટ્યો, નવેમ્બરની સૌથી ઠંડી શરૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં માવઠા બાદ તાપમાનનો પારો ગગડતાં રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.અમદાવાદમાં આ વર્ષે ઠંડી વહેલી શરૂ થઈ ગઈ છે. આઈએમડી અનુસાર, 7 નવેમ્બરના રોજ શહેરમાં લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા એક દાયકામાં નવેમ્બરની સૌથી ઠંડી શરૂઆત હતી. સોમવારે પણ ઠંડી યથાવત્ રહી હતી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી પર પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ડિગ્રી ઓછું હતું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી ઓછું હતું.
2015 પછી સૌથી વહેલો ઘટાડો
છેલ્લા 10 વર્ષોમાં, અમદાવાદનું તાપમાન નવેમ્બરના પહેલા પખવાડિયામાં ભાગ્યે જ 15.6 ડિગ્રીથી નીચે ગયું છે. સામાન્ય રીતે, ઠંડી પવનની શરૂઆત મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થાય છે, પરંતુ આ વખતે ઠંડી લગભગ ત્રણ અઠવાડિયા વહેલી આવી છે.
2023માં નવેમ્બરના અંતમાં 15 ડિગ્રી ને સ્પર્શ્યું હતું.છેલ્લી વખત અમદાવાદમાં આટલી વહેલી ઠંડી નવેમ્બર 2015 માં જોવા મળી હતી, જ્યારે તાપમાન 13 ડિગ્રી પર પહોંચ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા અઠવાડિયામાં નોંધાયું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ વર્ષનો ઘટાડો ચોક્કસપણે સામાન્ય કરતાં વહેલો છે. સ્વચ્છ આકાશ, સૂકી હવા અને ઉત્તરપશ્ચિમના પવનો રાત્રિ દરમિયાન ગરમીને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યા છે. આ લઘુત્તમ તાપમાનમાં ઝડપી ઘટાડા માટે આદર્શ પરિસ્થિતિઓ છે. આ વલણ આવનારા આકરા શિયાળાના સંકેત આપે છે. આ વખતે વધુ ઠંડી સિઝન જોવા મળી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વીયથી પૂર્વીય પવનો પ્રવર્તી રહ્યા છે, જે ઠંડા અને સૂકા હવામાનમાં ફાળો આપી રહ્યા છે. સોમવારે વડોદરામાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ 31.4 નોંધાયું હતું, જ્યારે કચ્છનું નલિયા અને ગાંધીનગર 14 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડું રહ્યું હતું. આઈએમડી મુજબ, આ અઠવાડિયે પણ અમદાવાદનું હવામાન ઠંડુ રહેશે.
આ પણ વાંચો…રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું મુંબઈમાં તાપમાનનો પારો ૧૯ ડિગ્રીએ



