અમદાવાદમાં મુંબઈના નકલી ડૉક્ટરે વૃદ્ધની સર્જરી કરીને 6 લાખ પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો

અમદાવાદઃ અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં વૃદ્ધનું મુંબઈના નકલી તબીબે ઘરે આવીને ઓપરેશન કર્યું અને 6 લાખ રૂપિયા ખંખરી લીધા હોવાની ઘટના બની હતી. ઑપરેશન બાદ પગની તકલીફ હતી, તે યથાવત રહેતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં સંજય સક્સેના ગત 15 ડિસેમ્બરે દીકરી અને જમાઈ સાથે હોટેલમાં જમીને બહાર નીકળતા ઢીંચણનો દુઃખાવો ઉપડતાં તેઓ લંગડાતા પગે ચાલતા હતાં. તેમને જોઈને એક અજાણ્યા શખસે તેમની પાસે આવીને કહ્યું હતું કે મારા પિતાને પણ આવો દુઃખાવો થતો હતો. જેથી તેમની મુંબઈ ખાતે સારવાર કરવી હતી. હવે તેમને ઢીંચણની તકલીફ દૂર થઈ ગઈ છે. જો તમારે સારવાર કરાવવી હોય તો હું સંપર્ક આપું. એટલું કહીને અજાણ્યો શખસ તબીબનો નંબર આપી જતો રહ્યો હતો.
આ પણ વાંચો: હવે કચ્છથી ઝડપાયો મુન્નાભાઈઃ નિષ્ણાત તબીબની જેમ ગંભીર બીમારીઓની સારવાર કરનારો બોગસ તબીબ માધાપરમાંથી ઝડપાયો
આ શખસે આપેલા નંબર પર વૃદ્ધે વાત કરતાં સામેથી ડૉ. પાટીલ નામના શખસે વાત કરી હતી. આ શખસે ફોન પર કહ્યું હતું કે, એક બે દિવસમાં ગુજરાત આવીશ ત્યારે તમને મળીશ. આ બોગસ તબીબે વૃદ્ધની માહિતી માંગતા વૃદ્ધે પોતાનું નામ, નંબર અને સરનામું લખાવી અપોઇમેન્ટ નોંધાવી દીધી હતી.
ગત 16 ડિસેમ્બરે તબીબે વૃદ્ધને ફોન કરીને કહ્યું હતું કે, ‘હું આવતીકાલે સવારે તમારા ઘરે આવીશ. આટલું જણાવી બોગસ તબીબે ફોન મૂકી દીધો હતો. તબીબે તેના આસિસ્ટન્ટ સાથે વૃદ્ધના ઘરે વિઝિટ કરી અને તેમના ઢીંચણની તપાસ કરી હતી. જેમાં જમણાં પગમાં પસ થઈ ગઈ હોવાથી તે કાઢવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડૉક્ટરોને અપાતું હતું કમીશન…
વૃદ્ધે આ બાબતે સંમતિ આપી અને બાદમાં 158 વાર ઢીંચણમાંથી પસ કાઢવાની ટ્રીટમેન્ટ કરી હતી. આ સારવારના 7 લાખ રૂપિયા આસિસ્ટન્ટને આપવા અને તે જે દવા આપે તે પીવાનું જણાવ્યું હતું. બાદમાં પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી બોગસ તબીબ ત્યાંથી નીકળી ગયો હતો.
વૃદ્ધે તબીબના આસિસ્ટન્ટને પોતાના ખાતામાંથી રોકડ 6 લાખ ઉપાડીને આપ્યા હતા અને બાદમાં પોતાના ઘરે આવતા રહ્યાં હતાં. દીકરીને ફોન કરી ઢીંચણની સારવાર ઘરે કરાવી હોવાનું જણાવતાં તેણે તેના પિતા પાસેથી તબીબનું વિઝિટિંગ કાર્ડ મેળવીને ઓનલાઈન તપાસ કરતાં તબીબ બનીને આવેલો શખ્સ 6 લાખ રૂપિયા પડાવી ફરાર થઈ ગયો હોવાનો ખુલાસો થયો. જેથી વૃદ્ધે ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બોગસ તબીબની તપાસ હાથ ધરી હતી.