અમદાવાદમાં લાભ પાંચમથી ભાજપ 15 દિવસ સ્નેહ મિલન યોજશેઃ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે

અમદાવાદઃ રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જે મુજબ લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે અને વોર્ડ મુજબ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં ભાજપ દ્વારા 26 ઓક્ટોબર, લાભ પાંચમથીથી 10 નવેમ્બર દરમિયાન વોર્ડ વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક વોર્ડ સમ્મેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા ભાજપ વોર્ડ મુજબ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: અમદાવાદમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ કરી, દરેક વોર્ડમાં યોજાશે સ્નેહ મિલન સમારોહ
આવતીકાલે લાભ પાંચમના દિવસે અમદાવાદમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિધાનસભા વિસ્તારમાં આવતા વિરાટનગર અને ઓઢવ વોર્ડથી નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહની શરૂઆત થશે.
ચાલુ વર્ષે રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા ચૂંટણી પહેલા શહેરના તમામ 48 વોર્ડમાં નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્નેહમિલન સમારોહમાં 400થી 500 કાર્યકર્તાઓની હાજરી રહે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. દરેક સ્નેહમિલનમાં જે-તે વિધાનસભાના ધારાસભ્ય અને શહેર ભાજપમાંથી એક નેતા વક્તા તરીકે હાજર રહેશે. અમદાવાદ શહેરમાં સૌપ્રથમ ભાજપનું સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિરાટનગર-ઓઢવ વોર્ડમાં યોજાશે. જે બાદ અન્ય વોર્ડમાં પણ ભાજપનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાશે.



