અમદાવાદનું ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી

અમદાવાદ : અમદાવાદ શહેરના નગર દેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા હતા. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવનાર પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકોર નાકા નજીક પાર્કિંગના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી છે. જેની જાહેર સૂચનાના બેનર પણ ભદ્ર પરિસરમાં લગાવી દેવામાં આવી છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી હતી.
ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો હતો તેના ભાગરૂપે ભદ્ર પરિસરમાં બેસતા ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાનકોર નાકા નજીક અને ઢાલગરવાડમાં એમ બે જગ્યાએ તેઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો કે બંને પ્લોટમાં બેસવા માટે ફેરિયાઓને સમજાવવામાં આવ્યા છે અને વારંવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે છતાં પણ હજી સુધી તેઓ દ્વારા પ્લોટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી ફેરિયાઓને અને જાહેર જનતાને આ બાબતે જાણ થાય તેના માટે ભદ્ર પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સૂચના અંગેના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.
બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના લાલદરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર આવેલું છે. આ મંદિર પાસે ભદ્ર પરિસર આવેલું છે ભદ્ર પરિસરમાં વર્ષોથી સેવા અને સેલો એમ બે સંસ્થાના કુલ 844 ફેરિયાઓ ધંધો કરતા હતા. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકોને અવરજવરમાં તકલીફ પડતી હતી તે રીતે ફેરિયાઓ બેસતા હતા. આ ઉપરાંત કાયદેસરના ફેરિયાઓની સાથે ગેરકાયદે રીતે પણ કેટલાક એરિયાઓ બેસી જતા હતા જેના કારણે આખું ભદ્ર પરિસર ફેરિયાઓથી ઉભરાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. લોકો ત્યાંથી વાહન લઈને નીકળી શકતા નહોતા એવી રીતે ફેરિયાઓએ ત્યાં ગેરકાયદે દબાણ કરી લીધું હતું.



