
અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલકોએ પોલીસ દ્વારા થતી કથિત ખોટી હેરાનગતિ અને ભેદભાવભરી કાર્યવાહીના વિરોધમાં હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન દ્વારા આજે અમદાવાદ પોલીસ કમિશનરને આ મામલે એક રજૂઆત કરવામાં આવી છે. યુનિયને જણાવ્યું છે કે જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને પોલીસ કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે તો ૧૨ કલાક બાદ હડતાળ પર જશે.
પોલીસ અધિકારોનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ
ઓટોરિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને ઓટોરિક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન કરી રહી છે. તેમનો દાવો છે કે રાજ્ય સરકાર ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે જુએ છે, જેથી શહેરમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં થાય, તેમ જ લોકોને રોજગારી મળી રહે. જોકે, પોલીસ દ્વારા આ સમજણ વગર, ફક્ત પોતાના ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે એકતરફી કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત વાહનો જપ્ત કરીને ખોટો દંડ વસૂલવામાં આવે છે.

ફક્ત રિક્ષાચાલકો સામે જ થાય છે કાર્યવાહી
યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા છે, પરંતુ તેના અમલીકરણની રીત ખોટી છે. ઓટોરિક્ષા ચાલકોએ ફરિયાદ કરી છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા વાહનો સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પોલીસ પૈસા લેતી હોવાનો પણ ગંભીર આરોપ યુનિયને મૂક્યો છે, જેને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો છે.
યુનિયનની હડતાળની ચીમકી
ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનની મુખ્ય માંગણી છે કે, જે ઓટોરિક્ષાના દસ્તાવેજો સંપૂર્ણ હોય તેને તાત્કાલિક છોડી દેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો યુનિયન દ્વારા ૧૨ કલાક બાદ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનર કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું, કારણ કે હડતાળથી સામાન્ય જનજીવન પર મોટી અસર પડી શકે છે.