અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે પોલીસ અધિકારીને 200 મીટર ઢસડી મોતને ઘાટ ઉતાર્યા

અમદાવાદઃ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનીને એક બાદ અકસ્માત સર્જી રહ્યા છે. ગઈકાલે એક ડમ્પર ચાલકે પોલીસ અધિકારીને 200 મીટર ઢસડી મોતને ઘાટ ઉતાર્યા હતા. એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ત્રાગડ તરફ જવાના માર્ગ પર શાલીગ્રામ સોસાયટી પાસે સર્જાયેલા અકસ્માતમાં એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર તેમને અંદાજે 100 મીટર સુધી ઢસડી ગયું હતું, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
મૃતક અધિકારીની ઓળખ અજિતભાઈ નાંદે તરીકે થઈ છે. તેઓ ATSમાં એએસઆઈ તરીકે કાર્યરત હતા, જ્યાં તેઓ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર તરીકેની જવાબદારી સંભાળતા હતા. અજિતભાઈ ફરજ પૂરી કરીને નરોડા સ્થિત ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
અજિતભાઈ એસપી રિંગ રોડ પર વૈષ્ણવ દેવીથીઝુંડાલ તરફ જતાં હતા ત્યારે ત્રાગડ અંડરપાસ પાસેથી સર્વિસ રોડ પરથી એક એકિટવા ચાલક મુખ્ય રોડ પર આવ્યો ત્યારે ASI અજિતભાઈના બાઇક સાથે ટક્કર થઈ હતી. આ સમયે રિંગ રોડ પરથી આવતાં મિક્સર ટ્રકની પાછળના ભાગે અડફેટે આવી ગયા અને પાછળના ટાયરમાં આવી જતાં 100 મીટર ઢસડાયા હતા અને તેઓનું ઘટનાસ્થળે મોત થયું હતું.
અકસ્માતના પગલે રસ્તા પર જોઈને પણ કંપારી છુટી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા ડમ્પર ચાલકો સામે થોડા દિવસ સુધી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ બંધ થતાં જ બધું રાબેતા મુજબ થઈ જાય છે.



