અમદાવાદના અટલ બ્રિજની 77.71 લાખ લોકોએ મુલાકાત લીધી, રૂપિયા 27 કરોડની આવક…

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલ બ્રિજની છેલ્લા ત્રણ વર્ષમાં 77,71,269 લોકોએ મુલાકાત લીધી છે. આ દરમિયાન કોર્પોરેશનને રૂપિયા 27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે. આ બ્રિજનું
નિર્માણ અમદાવાદ કોર્પોરેશનની કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.
એપ્રિલ થી ઑક્ટોબર સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ આવ્યા
આ અંગે મળેલી વર્ષ વાર આંકડાઓની વિગત મુજબ 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. જેનાથી રૂપિયા 6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી રૂપિયા 8.24 કરોડની તેમજ એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી રૂપિયા 8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025 થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને રૂપિયા 4.82 કરોડની આવક થઇ છે.

બ્રિજના કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ
આ આઈકોનિક અટલ બ્રિજ રૂપિયા 74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી રૂપિયા 27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, કોર્પોરેશનને અટલ બ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.

અમદાવાદમાં હરવા ફરવાના અનેક સ્થળો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.
આ પણ વાંચો…અમદાવાદનો અટલ બ્રિજ પ્રવાસીઓનો પ્રેમ મેળવવામાં પણ અટલઃ ત્રણ દિવસમાં આટલી કમાણી
 


