ફરજિયાત મીટરઃ અમદાવાદ અને વડોદરા ઓટો રિક્ષા યુનિયનોએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી
અમદાવાદઃ અમદાવાદ અને વડોદરામાં નવા વર્ષથી રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિયમ અમલી થતાં ઓટોરીક્ષા યુનિયનો દ્વારા રાજ્યમાં ઓટો રિક્ષામાં લગાવવામાં આવતા ફલેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ્દ કરવા હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, કાયદા પ્રમાણે દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો, ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, બસ, લકઝરી અને ભારવાહક વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જોઈએ. માત્ર રીક્ષા ચાલકો પર આ કાયદાની અમલવારી અને દંડ રાજય સરકારની ભેદભાવભરી નીતિ દર્શાવે છે.
આ પણ વાંચો: આજથી રિક્ષા ચાલકોની નહીં ચાલે દાદાગીરી, તમામ રિક્ષામાં મીટર ફરજિયાત
તોલમાપ વિભાગની માહિતી મુજબ ઓટો રિક્ષાના ફ્લેગ મીટરની ચકાસણી કરવામાં આવતી હોય જે દર્શાવે છે કે, આ પ્રકારનો નિયમ ફક્ત ઓટો રિક્ષાચાલક ઉપર જ લાગૂ કરવામાં આવ્યો છે. ખાનગી સેવા આવતી કંપનીઓ દ્વારા મીટરનો ઉપયોગ કરવામાં આવતો નથી જે પણ કાયદાનું ઉલંઘન છે. તો તેઓ સામે ફરિયાદ કરતા પણ કોઈ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 1 જાન્યુઆરી, 2025થી ઓટો રિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ હોય કે બગડેલ હોય તો ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા બાબતે પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તે અંતર્ગત પોલીસને કોઈપણ પ્રકારની દંડનીય કાર્યવાહી ન કરવા અને આ પ્રકારના દંડને રદ્દ કરવા અમદાવાદ અને વડોદરાના રિક્ષા યુનિયનો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જ્યારે નોટિસ અપાઈ ત્યારે તે બાબતે વાંધા અરજી આપી હતી.