સુપ્રીમ કોર્ટની સુનાવણીએ મનપાને કામે લગાડી, ત્રણ ડૉગ શેલ્ટર બનાવવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે રખડતાં શ્વાન મામલે ફરી લાલ આંખ કરી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રણ ઢોરના ડબ્બાને ડૉગ શેલ્ટરમાં ફેરવવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે મનપાએ શ્વાન ગણતરીનું ટેન્ડર ફરી બહાર પાડ્યું હતું. મંગળવારે સુપ્રીમ કોર્ટે શ્વાનના કરડવાથી થતા મૃત્યુ અથવા તો ઈજાઓનું ભારે વળતર રાજ્ય સરકારે આપવું પડશે તેવી ટકોર કરી હતી. સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મામલે આપેલા નિર્દેશોએ સ્થાનિત તંત્રને ચિંતામાં મૂકી દીધું હોવાનું પણ એક અધિકારીએ જણાવ્યું હતું.
મનપાએ કરેલા નિર્ણય અનુસાર નરોડા, વસ્ત્રાલ અને લાંબામાં ત્રણ ઢોરના ડબ્બાને રખડતાં શ્વાન માટે શેલ્ટર હોમમાં ફેરવવામાં આવશે. જેમાંથી એક પહેલી માર્ચ અને બીજા બે 26 માર્ચથી કાર્યરત થશે. જોકે એક અંદાજ પ્રમાણે શહેરમાં 2.10 લાખ જેટલા શ્વાન છે અને આ ત્રણેય શેલ્ટર હોમમાં મળીને 650 જેટલા શ્વાન જ રાખી શકાશે, આથી આ વ્યવસ્થા પૂરતી નથી.
અમદાવાદમાં રખડતા શ્વાન કરડવાના કિસ્સાઓ જોતા સ્થિતિ કેટલી ગંભીર છે તે સમજી શકાય. વર્ષ ઓક્ટોબર 2025થી જાન્યુઆરી, 2026માં અત્યાર સુધીમાં શહેરમાં લગભગ 66,000 કરતા વધારે લોકોને શ્વાન કરડ્યા કરડવાની ઘટના નોંધાઈ હતી એટલે કે દરરોજ 181 શ્વાન કરડવાના કિસ્સા માત્ર અમદાવાદમાં બન્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



