કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા AMC એકશન મોડમાં

અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યારથી જ કમસ કસી છે. શહેરની હવાને સ્વચ્છ બનાવવા માટે તંત્રએ પ્રદૂષણ ફેલાવતાં સ્થળો શોધ્યા છે. જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસપી સ્ટેડિયમ, ચાંદખેડાનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં ધૂળના રજકણોનું સ્તર ઘટાડવા માટે 62 મિકેનિકલ સ્વીપિંગ મશીનો સતત કાર્યરત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન આ માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અને 15મા નાણાપંચ હેઠળ મળેલી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરી રહ્યું છે. હાલમાં શહેરમાં ટ્રક પર માઉન્ટ કરેલા 16 મિસ્ટ મશીનો કાર્યરત છે, જેમાંથી 6 મશીન પીરાણા ડમ્પસાઇટ અને તેની આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 10 મશીનો નિયમિતપણે નિર્ધારિત પ્રદૂષિત રોડ માર્ગો પર કાર્યરત છે. આ ઉપરાંત, ધૂળના રજકણો ઘટાડવા માટે કુલ 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો કાર્યરત છે.
બાંધકામથી થતું પ્રદૂષણ
બાંધકામ પ્રવૃત્તિઓથી થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલિસી” અમલમાં મૂકવામાં આવી છે. આ અંતર્ગત, 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે બોર્ડ અને સીસીટીવી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. વધુમાં, મિસ્ટ મશીનોનો ઉપયોગ, ખોદકામ કરેલી માટી કે રેતીને સંપૂર્ણ રીતે ઢાંકવી, સાઇટની આસપાસ બેરિકેડ્સ અને ગ્રીન નેટ લગાવવી, આંતરિક રસ્તાઓનું યોગ્ય પેવિંગ અને એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર ટાયર વોશર સિસ્ટમ જેવી બાબતો પણ ફરજિયાત કરાઈ છે.
અત્યાર સુધીમાં લગભગ 140 બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવામાં આવ્યા છે. ગ્રીન નેટના વધતા ઉપયોગને કારણે દંડની વસૂલાતમાં ઘટાડો થયો છે. વર્ષ 2024–25 દરમિયાન વિવિધ સાઇટ્સ પરથી ₹1.71 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 2025–26માં અત્યાર સુધીમાં ₹1.16 કરોડ વસૂલાયા છે. શહેરમાં કુલ 25 C&D (કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન) વેસ્ટ કલેક્શન સેન્ટર વિકસાવવામાં આવ્યા છે, અને ગ્યાસપુરમાં 1,000 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. ડિસેમ્બર 2026 સુધીમાં, સમાન ક્ષમતા ધરાવતો અન્ય એક પ્લાન્ટ પણ શરૂ થઈ જશે.
વાહનોનું પ્રદૂષણ
જાહેર પરિવહન ક્ષેત્રે, શહેરે ગ્રીન મોડલ અપનાવ્યું છે જેમાં કુલ 1,052 CNG બસો અને 207 ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. હાલમાં શહેરમાં 128 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. પર્યાવરણીય સંતુલન જાળવવા માટે શહેરભરમાં 303 બગીચા અને 118 અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે, જેનાથી અમદાવાદનું ગ્રીન કવર વધીને અંદાજે 12.5 ટકા થયું છે.



