અમદાવાદ મનપામાં ફાયર વિભાગની ભરતી રદ, નિયમભંગનો થયો હતો આક્ષેપ

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં કરેલી ભરતી રદ કરવી પડી હોવાના અહેવાલો મળ્યા હતા. મનપાએ આસિસ્ટન્ટ સ્ટેશન ઓફિસરોની ભરતી કરી હતી, પરંતુ તે માટે જરૂરી લેખિત પરીક્ષા લીધી ન હોવાથી વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.
કૉંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવાનો નિયમ છે, પરંતુ મનપાએ માત્ર મૌખિક પરીક્ષા લેવાનું મનપાએ નક્કી કર્યું હતું જેથી તેને રદ કરવાની ફરજ પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આસિસ્ટંટ ફાયર ઓફિસરની ભરતી કરવાની હતી, જે માટે મૌખિક ઈન્ટરવ્યુ લેવાના હતા, પરંતુ હાલ પૂરતા રદ કરવામાં આવ્યા છે.
અગાઉ વિભાગે અરજી મંગાવી હતી, જેમાં 144 જેટલી અરજીમાંથી 120 જેટલા ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા હતા. જેમાંથી 62 ઉમેદવાર ફિઝિકલ ટેસ્ટમાં પણ પાસ થયા હતા. ત્યારબાદની પ્રક્રિયા બાદ 32 જેટલા ઉમેદવારને મૌખિક ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ પૂરતા આ ઈન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



