અમદાવાદ

દુબઈ ગયેલા તબીબના બંધ બંગલે તસ્કરોનો ‘હાથફેરો’, ₹1.47 કરોડની માલમત્તા અને CCTVનું DVR પણ ચોરી ગયા!

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર ગણાતા આંબાવાડીમાં તસ્કરોએ એક મોટા ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. માણેકબાગ સોસાયટીમાં રહેતા અને મણિનગરમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા આંખના તબીબ ડો. સુનિલ શાહના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ મળી કુલ રૂ. 1,47,26,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વળી આ ઘટના ત્યારે બની જ્યારે ડોક્ટર તેમનો પરિવાર દુબઈ પ્રવાસે ગયો હતો.

એફઆઈઆરની વિગતો અનુસાર, ડો. સુનિલ શાહ ગત 11 જાન્યુઆરીના રોજ પત્ની અને પુત્ર સાથે દુબઈ ફરવા ગયા હતા. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાની બાજુમાં આવેલી લાકડાની બારીની સ્ટોપર અને લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ ઘરના પ્રથમ માળે આવેલા બેડરૂમમાં રાખેલી તિજોરીઓ અને ગુપ્ત લોકરોને નિશાન બનાવ્યા હતા. ચોરીના પુરાવા નાશ કરવા માટે તસ્કરો ઘરના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.

₹45 લાખ રોકડ અને 203 તોલા સોનાની ચોરી

તબીબ પરિવાર આજે સવારે જ્યારે દુબઈથી પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોઈને ચોંકી ઉઠ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે તિજોરીમાંથી અંદાજે 203.5 તોલા સોનાના દાગીના, જેમાં ડાયમંડ સેટ, કડા, બંગડીઓ અને સોનાના બિસ્કિટ સામેલ છે, જેની કિંમત રૂ. 1 કરોડથી વધુ થાય છે. આ ઉપરાંત રૂ. 45 લાખની રોકડ રકમ અને ચાંદીના દાગીનાની પણ ચોરી થઈ છે.

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

આ મામલે તબીબે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એફઆઈઆર મુજબ, 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી વચ્ચે આ ચોરીની ઘટના બની હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી રકમની ચોરીને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button