અમદાવાદ

અમદાવાદના આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા બે શ્રમિકોના મોત બાદ તંત્રએ શું કરી કાર્યવાહી?

અમદાવાદઃ શહેરના આંબાવાડી વિસ્તારમાં નવા વર્ષના દિવસે જ કરુણ દુર્ઘટના બની હતી. આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટીંગ ભાગનું કામ ચાલી રહેલું હતું તે દરમિયાન ત્રણ મજૂરો નીચે પડ્યા હતા, જે પૈકી બે શ્રમિકોના મોત થયા હતા. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેસનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે વર્ધમાન ડેવલપર્સની રજા ચિઠ્ઠી સ્થગિત કરી બાંધકામ બંધ કરાવી દીધું છે. ઉપરાંત એન્જિનિયર, સ્ટ્રક્ચર એન્જિયર અને ડેવલપરને નોટિસ આપી છે. વર્ધમાન ડેવલપર્સે ગંભીર બેદરકારી દાખવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

ગઈકાલે આંબાવાડી વિસ્તારના કલ્યાણ જ્વેલર્સ નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. શ્રમિકોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

બંને મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લાના છે. મૃતકના નામ શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ અમદાવાદ આવવા રવાના થયા હતા. એલિસબ્રીજ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામગીરી માટે મજૂરોને સેફટીના સાધનો આપીને તેમની પાસે કામગીરી કરાવવાની હોય છે ત્યારે સાઇટ પર ડેવલોપર દ્વારા આવી કોઈ સેફ્ટી સાથે કામ કરાવાતું નહોતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button