Good News: Ahmedabad થી અંબાજી વચ્ચે ટ્રેન સેવા શરૂ કરાશે, આટલા ટકા કામ પૂર્ણ…

અમદાવાદ : શક્તિપીઠ અંબાજી જવા માંગતા લોકો માટે વધુ એક સુવિધા ઉમેરાવા જઇ રહી છે. જેમાં અમદાવાદથી (Ahmedabad) અંબાજી જવા માટે હાલ રોડ માર્ગ જ છે. તેવા સમયે અંબાજી હવે અમદાવાદથી રેલવે માર્ગે પણ જોડાવા જઇ રહ્યું છે. જેમાં હવે અમદાવાદથી 183 કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે.
આ પણ વાંચો : જાણી લેજોઃ સુરત સ્ટેશન પર બ્લોકને લીધે આ ટ્રેનો પર થશે અસર…
અમદાવાદ-અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુ છે. વર્ષ 2027 સુધીમાં અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન શરૂ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ તેની 20 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બાકીનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે.
ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે
અમદાવાદ-અંબાજી વચ્ચે ટ્રેન શરૂ કરવા માટે મહેસાણા નજીક તારંગાથી અંબાજી થઈ આબુ રોડ સુધીની નવી રેલવે લાઈન નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ રેલવે લાઈન શરૂ થતા લોકો અમદાવાદ અને દિલ્હીથી સીધા અંબાજી સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશે. આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે.
અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ

આ રેલવે લાઈન મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજસ્થાનમાં સિરોહીથી પસાર થશે. ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનાવાસ, મહુડી, દાલપુરા, રૂપપુરા, હડાડ અંદાજે 15 જેટલા સ્ટેશન બનાવાશે. અંબાજી રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. અંબાજી સ્ટેશનનું પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ મંદિર નજીક ચિકલા ગામ વિસ્તારમાં આવેલ પર્વતમાળા તેમજ 400 જેટલા વૃક્ષોને કાપી તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : કુંભ મેળો-2025ઃ ભાવનગર ઉપરાંત ગુજરાતના ત્રણ સ્ટેશનથી પણ દોડાવાશે વન વે ટ્રેન
51 શક્તિપીઠના પ્રતિક સમાન 51 શિખર તૈયાર કરવામાં આવશે.
રેલવે દ્વારા એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા અને અંબાજી શક્તિપીઠની થીમ પર જ મંદિરથી અંદાજે 3.5 કિલોમીટરના અંતરે લગભગ 175 કરોડના ખર્ચે બે માળના અંબાજી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ તેમજ 7 માળના અને 100 રૂમની સુવિધા ધરાવતા બજેટ હોટલની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. સ્ટેશન બિલ્ડિંગમાં 51 શક્તિપીઠના પ્રતિક સમાન 51 શિખર તૈયાર કરવામાં આવશે.