અમદાવાદ એરપોર્ટ પરથી શારજાહથી આવેલી મહિલા રોકડા 45 લાખ અને મોંઘા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે ઝડપાઈ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી સમયાંતરે સોનાની દાણચોરી ઝડપાતી હોય છે. આ વખતે અમદાવાદ એરપોર્ટ પરથી એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે શારજાહથી આવેલી એક મહિલા પાસેથી રોકડા 45 લાખ અને મોંઘા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો જપ્ત કર્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટે શારજાહથી અમદાવાદ આવી રહેલી એક મહિલા મુસાફરને શંકાના આધારે રોકી હતી. તેની તપાસ કરતાં અધિકારીઓને iPhone, એપલ વૉચ, પ્રીમિયમ લેપટોપ અને હાઈ વેલ્યૂ ડિવાઇસ કેસ સહિતના દાણચોરી કરાયેલા ઇલેક્ટ્રોનિક્સનો મોટો જથ્થો મળ્યો હતો. આ તમામનું કોઈ ડિકલેરેશન કરવામાં આવ્યું નહોતું.
આ પણ વાંચો: કાર્ગો પેન્ટમાં છૂપાવીને લાવ્યો હતો મોબાઈલ-ઘડિયાળ અને કેસર: અમદાવાદ એરપોર્ટ પર મુંબઈનો યાત્રી ઝડપાયો
ઇલેક્ટ્રોનિક્સની સાથે, એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટને ₹45 લાખ રોકડા પણ મળી આવ્યા હતા. જેનો કોઈ હિસાબ ન હતો. ઉલ્હાસનગર, મહારાષ્ટ્રની રહેવાસી તરીકે ઓળખાયેલી મહિલાને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવી હતી અને સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એકે સુઆયોજિત દાણચોરી ઓપરેશન દર્શાવે છે. મુસાફર પાસે આટલી મોટી માત્રામાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કે રોકડ માટે કોઈ ડિકલેરેશન નહોતું. આ નેટવર્કમાં એરપોર્ટના અધિકારીઓ કોઈ સિન્ડિકેટ કે સાથીદારો સંડોવાયેલા છે કે કેમ, દાણચોરી કરાયેલી વસ્તુઓ કોને આપવાની હતી તેની તપાસ શરૂ કરી હતી.