
અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પ્રવાસીઓ માટે અસલામત હોય તેમ લાગી રહ્યું છે. એ રિપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન 65 બર્ડ હિટની ઘટના બની છે. એટલે કે દર મહિને સરેરાશ 6 જેટલી આવી ઘટના નોંધાઈ છે. આ વર્ષે બર્ડ-સ્ટ્રાઇકની ઘટનાઓ મોટાભાગે સ્થિર રહી છે, તેમ છતાં ચોમાસા પછીનો સમયગાળો ફરી એકવાર વિમાનની સલામતી માટે સૌથી પડકારજનક તબક્કો સાબિત થયો છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, આ સમયગાળામાં દર મહિને 8-10 કેસ નોંધાયા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા મુજબ, અમદાવાદમાં બર્ડ-સ્ટ્રાઇકની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં વધઘટ થઈ હતી. 2022માં આ સંખ્યા 39 હતી, જે 2023માં વધીને 86 થઈ હતી. ગયા વર્ષે બર્ડ હીટની 77 ઘટના નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે 29 કેસ નોંધાયા હતા, જે અગાઉના વર્ષોમાં જોવા મળતી સિઝનલ પેટર્ન દર્શાવે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં દાખલ કરાયેલા મલ્ટી-લેયર્ડ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ કાર્યક્રમને કારણે બર્ડ હિટની સંખ્યામાં નોંધનીય ઘટાડો થયો છે. એરપોર્ટની આસપાસ રહેણાંક વિસ્તાર વધી રહ્યો છે, જેના કારણે સલામત કામગીરી જાળવવા માટે આ હસ્તક્ષેપો કેન્દ્રીય બની ગયા છે.
આ ઉપરાંત વૃક્ષો અને છોડનું નિયમિત ટ્રિમિંગ કરવામાં આવે છે.આનાથી ખોરાક શોધતા પક્ષીઓને આકર્ષતા જીવજંતુઓની હાજરી ઓછી થાય છે. સમડીઓ પશ્ચિમ ભારતમાં બર્ડ સ્ટ્રાઇકમાં સામેલ સૌથી વધુ વારંવાર જોવા મળતી પ્રજાતિઓમાંની એક છે. ટ્રિમિંગ કરવાથી સમડીઓની સંખ્યા પણ ઘટી છે, જેના કારણે બર્ડ હીટનું જોખમ ઘટ્યું છે. અમદાવાદ એરપોર્ટે પેટન્ટેડ ટેક્નોલોજી પર આધારિત કસ્ટમાઇઝ્ડ એન્ટિ-પર્ચિંગ ઉપકરણો ઇન્સ્ટોલ કર્યા છે જે ધાર અને બહાર નીકળેલા ભાગો સુધી પક્ષીઓને પહોંચતા અટકાવે છે, જેથી કબૂતરો અને અન્ય પ્રજાતિઓ દ્વારા થતું રાત્રિ આશ્રય ઓછું થાય છે.
થોડા દિવસો પહેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન વેની આસપાસ પક્ષીઓ અને પ્રાણીઓના હુમલા (બર્ડ સ્ટ્રાઇક)નું જોખમ ઘટાડવા માટે મોટા પાયે વન્યજીવ વ્યવસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત વન વિભાગ સાથે સંકલનમાં કામ કરીને, એરપોર્ટ દ્વારા એરપોર્ટની અંદર અને તેની આસપાસ જોવા મળતી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની ઘણી પ્રજાતિઓને શહેરથી ઓછામાં ઓછા 50-100 કિમી દૂરના સ્થળોએ ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
પક્ષીઓના કુદરતી રહેઠાણોને ખલેલ ન પહોંચે અને તેઓ નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે તે માટે હાલ વન વિભાગે યોગ્ય રિલીઝ ઝોનની ઓળખ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે પ્રાણીઓને ઓછી ખલેલ પહોંચે અને રિલીઝ સાઇટ્સ પર ઇકોલોજીકલ સંતુલન જળવાઈ રહે તે માટે નિષ્ણાતની દેખરેખ હેઠળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. સૂત્રો મુજબ, વિશાળ ચામાચીડિયાં ખાસ ચિંતાનો વિષય બન્યા હતા.
રાત્રિના નિરીક્ષણ દરમિયાન, રનવે પર અથવા વિમાનની નજીક લોહીના ડાઘા ઘણીવાર જોવા મળતા હતા, પરંતુ કોઈ પીંછા નહોતા, જે ચામાચીડિયાંના હુમલા તરફ ઈશારો કરતા હતા. આ તારણો બાદ અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભલામણોના આધારે, સંયુક્ત સમીક્ષા બેઠકોની સીરિઝ દરમિયાન અમુક પ્રજાતિઓને ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. ટિટોડી, સમડી, કાગડો સહિતના પક્ષીઓ પાછા ન ફરે તે માટે ઓછામાં ઓછા 50-100 કિમી દૂરના વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ નજીકના બિલ્ડિંગોનો સર્વે પૂર્ણ, વિમાન ઉડ્ડયનને નડતરરૂપ 13 બાંધકામ તોડાશે



