
અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યક્ષમતા વધારવાના હેતુથી કોડ સી વિમાનો માટે નવા સમાંતર ટેક્સીવે પર કામ શરૂ થવાનું છે. આમ થવાથી વ્યસ્ત થતા જતા અમદાવાદ એરપોર્ટની ફ્લાઇટ-હેન્ડલિંગ ક્ષમતામાં વધારો થશે, તેમ સૂત્રો જણાવે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય તરફથી મંજૂરી મળી જતા જ લગભગ ડિસેમ્બર મહિનાથી આ કામ શરૂ થશે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ટેક્સીવે બન્યા બાદ એરક્રાફ્ટ રનવે સુધી સીધો પહોંચી શકશે. હાલમાં આ રૂટ લાંબો છે. આનાથી સમય અને ઈંધણ બચશે અને કાર્યક્ષમતામાં સુધારો થશે, તેમ પણ માનવામાં આવે છે. હાલમાં અહીં દર કલાકે લગભગ 18-20 હવાઈ ગતિવિધિઓ નોંધાય છે. નવો ટેક્સીવે કાર્યરત થયા પછી આ ગતિવિધિઓ વધશે.
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટની ક્ષમતામાં લગભગ 20 ટકાનો વધારો કરશે અને ટેક ઓફ અને લેન્ડિંગ સરળ બનશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ ટેક્સીવે રન વેના ઉપયોગને વધારવા અને વિમાનની ઝડપી એન્ટ્રી અને એક્ઝિટ માટે મહત્વનો સાબિત થશે અને એરલાયન્સ સાથે મુસાફરો માટે પણ રાહ જોવાનો સમય ઘટશે.
અમદાવાદ એરપોર્ટ સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 40,000 મુસાફરોની સંખ્યા સાથે દરરોજ સરેરાશ 280 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.
આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટની ઉડાન: 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ, વૈશ્વિક નેટવર્ક બમણું થયું…



