સતત ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટ પર આંધાધૂંધી, 69 ફ્લાઈટ્સ રદ

અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની સેવામાં સતત ચોથા દિવસે પણ આંધાધૂંધી જોવા મળી હતી. રઝળતા પ્રવાસીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક રડી રહેલી યુવતીના વીડિયોએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું.
પ્રવાસીઓની હતાશા અને હાલાકીને દર્શાવતા આ વીડિયોમાં સામાન સાથે એક યુવતી જોવા મળે છે, જેની આંખોમાં આસું છે અને ચહેરા પર સખત થાક અને નિરાશા છે. માત્ર એક જ નહીં દેશભરમાં હજારો પ્રવાસીઓ સખત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું વિવિધ અહેવાલો જણાવે છે.
આપણ વાચો: દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…
સતત ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટથી સાંજે છ વાગ્યા સુધીમાં લગભગ 69 ફ્લાઈટ્સ રદ થઈ હતી. જેમાં અહીંથી ઉપડનારી 38 અને અહીં આવનારી 31 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. જ્યારે 67 ફ્લાઈટ્સ ઑપરેટ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અહીં મુસાફરોની લાંબી લાઈનો ઈન્ક્વાયરી સેકશનમાં જોવા મળે છે. લોકોને કનેક્ટિંગ ફ્લાઈટ્સ મળતી ન હોવાથી તેઓ ખૂબ જ પરેશાન છે. એરપોર્ટ પર બેસવાનો કે સામાન રાખવાની જગ્યા રહી નથી. એરલાઈન્સ તરફથી કોઈ માહિતી ન મળતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
આપણ વાચો: ઈન્ડિગોની ફ્લાઇટો રદ્દ થતા અન્ય એરલાઈન્સ કંપનીઓની ‘વ્હાઇટ કોલર લૂંટ’, ટિકિટના ભાવમાં તોતિંગ વધારો
દરમિયાન શનિવારે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.
જોકે માત્ર અમદાવાદ નહીં રાજકોટ, વડોદરા, સુરત એરપોર્ટ પર પણ આવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. હવાઈ મુસાફરી કરતા સેંકડો પ્રવાસીઓ ફસાયેલા જોવા મળ્યા હતા. થોડી રાહત આપતા રેલવેએ વિશેષ ટ્રેન અને સાથે અમુક ટ્રેનમાં વધારા કૉચની જાહેરાત કરી હતી.



