અમદાવાદ

મોઢામાં સોનું છુપાવીને બેંગકોકથી અમદાવાદ આવ્યો મુસાફર, કસ્ટમ વિભાગે દબોચ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાણે દાણચોરો માટે હોટસ્પોટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સ અને સોનાની હેરાફેરીના વધતા કિસ્સાઓ વચ્ચે રવિવારે કસ્ટમ વિભાગને વધુ એક મોટી સફળતા મળી છે. વિદેશથી આવતા મુસાફરો અવનવી તરકીબો અજમાવીને કિંમતી ધાતુ લાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ એર ઈન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે તસ્કરીનો આ વધુ એક પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ને ચોક્કસ બાતમી મળી હતી કે એક મુસાફર ગેરકાયદેસર રીતે સોનું લઈને આવી રહ્યો છે. ગત 31 જાન્યુઆરી 2026ના રોજ બેંગકોકથી અમદાવાદ આવેલી વિયેટજેટ ફ્લાઇટ (VZ 750) માં મુસાફરી કરી રહેલા સુનિલ ભાટિયા નામના શખ્સ પર અધિકારીઓને શંકા ગઈ હતી. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે તેની તપાસ કરતા દાણચોરીનો ભાંડો ફૂટ્યો હતો.

તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે જોયું કે મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે મોઢાનો (માઉથ) ઉપયોગ કર્યો હતો. સુનિલ ભાટિયાએ કાળા રંગની ટેપમાં લપેટેલા ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ પોતાના મોઢામાં સંતાડ્યા હતા. અધિકારીઓએ આ શખ્સ પાસેથી કુલ 108.07 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 17.40 લાખ જેટલી થાય છે.

કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી લીધો છે અને મુસાફરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આ નેટવર્ક પાછળ બીજા કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને શંકાસ્પદ મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સંબંધિત લેખો

Back to top button