અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં 'બર્ડ હીટ'ના જોખમમાં વધારો: સરકારનો ઘટસ્ફોટ...

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ‘બર્ડ હીટ’ના જોખમમાં વધારો: સરકારનો ઘટસ્ફોટ…

બર્ડ હીટની ઘટના માટે દિલ્હી, મુંબઈ અને બેંગલૂરુ મોખરે

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી એરપોર્ટ પણ ચર્ચામાં છે, ત્યારે શહેરસ્થિત એરપોર્ટ બર્ડહીટનો પડકાર ચિંતાજનક છે. શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે અહીંના એરપોર્ટ મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે એરપોર્ટના વિસ્તારમાં 2024 બર્ડ હીટની 77 ઘટના બની હતી. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવી 29 ઘટના નોંધાઈ હતી.

તાજેતરના મહિનાઓમાં બર્ડ હીટની ઘટના માટે દિલ્હી, મુંબઈ અને બેંગલૂરુ જ આગળ છે. 2024માં દિલ્હી એરપોર્ટ પર બર્ડ હીટની 130 ઘટના બની હતી. મુંબઈ અને બેંગલૂરુમાં અનુક્રમે 86 અને 88 ઘટના નોંધાઈ હતી. અમદાવાદનું એરપોર્ટ અન્ય મોટા એરપોર્ટની સંખ્યાએ પણ આગળ હતું. ગત વર્ષે હૈદરાબાદમાં 43, કોલકાતા અને ચેન્નઈમાં 43-43 ઘટના બની હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ એરપોર્ટની આસપાસ લોકો ખુલ્લી જગ્યામાં ગંદકી, કચરો ફેંકવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને બર્ડ-હીટની ઘટનાઓ બને છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખુલ્લા કચરાના નિકાલના સ્થળો, જળાશયો અને ચાલુ બાંધકામ જેવા શહેરી પર્યાવરણીય પરિબળોને કારણે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પક્ષીઓની પ્રવૃત્તિને ઓછી કરવી એક પડકાર છે.

આ ડેટા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને રાજ્ય સરકારના ભૂતપૂર્વ અધિકારી તરફથી કાનૂની નોટિસ મળ્યાના થોડા દિવસો પછી આવ્યો છે. નોટિસમાં એરપોર્ટની નજીક આવેલી લગભગ 25 જેટલી માંસ અને મરઘાંની દુકાનો સામે કડક કાર્યવાહી કરવા અને બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અને પછી સમસ્યા વધુ વણસે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટે વન્યજીવનનું જોખમ ઓછું કરવા અનેક પગલાં લીધા છે. એરપોર્ટે બાયો-એકોસ્ટિક ડિટરન્ટ સિસ્ટમ્સ અને ખાસ ફટાકડાથી સજ્જ પક્ષી ભગાડવા માટે ટીમ તહેનાત કરી છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button