અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો…

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઈ અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) ઝડપી પાડ્યો હતો. આ મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવીને સઘન તપાસ હાથ ધરી છે.
અંદાજિત બજાર કિંમત રૂ. 8 કરોડ
મળતી વિગત મુજબ, બેંગકોકથી અમદાવાદ આવેલા એક યાત્રી પર શંકા જતા અધિકારીઓએ તેની સઘન તપાસ હાથ ધરી હતી. બેગેજ ચેકિંગ દરમિયાન યાત્રીના સામાનમાંથી 6 વેક્યુમ કરેલા પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસમાં આ પદાર્થ હાઇ ગ્રેડ હાઇબ્રિડ કેનાબીસ (ગાંજો) હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલ ગાંજાનું કુલ વજન 7.71 કિલોગ્રામ છે અને તેની અંદાજિત બજાર કિંમત રૂ. 8 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ તપાસ શરૂ કરવામાં આવી
DRI દ્વારા ગાંજો જપ્ત કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.



