અમદાવાદ

અમદાવાદની હવા માત્ર પ્રદૂષિત નથી, પણ સંકોચાતી જાય છેઃ અભ્યાસમાં ચોંકાવનારું તારણ

અમદાવાદઃ માત્ર દિલ્હી નહીં દેશના મોટાભાગના શહેરો પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે અને હવાનું પ્રદૂષણ જીવલેણ સાબિત થઈ રહ્યું હોવાનું પણ ઘણીવાર પ્રકાશમાં આવ્યું છે, પરંતુ અમદાવાદીઓ માટે વધારે ચિંતાનો વિષય એ છે કે શહેરની હવા સિમિત થઈ રહી છે અને હવાનું આવરણ સંકોચાઈ રહ્યું છે.

શ્વાસ લેવા માટે જરૂરી હવાનું જે પ્રમાણ હોવું જોઈએ તે છેલ્લા 44 વર્ષમાં ઘટ્યું હોવાનું એક અભ્યાસ દ્વારા પ્રકાશમાં આવ્યું છે. જેના લીધે ઝેરી તત્ત્વો હવામાં રહેવાને બદલ આપણી આસપાસ ફેલાઈ રહ્યા છે, તેમ એક અહેવાલ જણાવી રહ્યો છે.

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની એક ટીમે 1980 થી 2024 દરમિયાન અમદાવાદ ઉપર પ્લેનેટરી બાઉન્ડ્રી લેયર હાઇટને ટ્રેક કરવાના એક અભ્યાસ દરમિયાન આ તારણ કાઢ્યું હતું.

આપણ વાચો: વાયુ પ્રદૂષણથી દિલ્હીની માઠી દશા! AQI 460ને પાર, 15 સિગારેટ પીવા જેટલું ઝેર હવામાં…

અહેવાલ અનુસાર પ્લેનેટરી બાઉન્ડ્રી લેયર (પીબીએલ) છે, જે વાતાવરણનો સૌથી નીચો સ્તર છે જે વાયુ પ્રદૂષણ માટે કુદરતી નિયંત્રણ તરીકે કાર્ય કરે છે. પીબીએલ પૃથ્વીની સપાટીથી પણ સીધી રીતે પ્રભાવિત થાય છે.

જ્યારે આ સ્તર નીચે આવે છે, ત્યારે પ્રદૂષિત રજકણો ઝડપથી કેન્દ્રિત થાય છે. વાર્ષિક સરેરાશ પ્લેનેટરી બાઉન્ડ્રી લેયર હાઈટ (પીબીએલએચ) દર વર્ષે 4.82 મીટરના નોંધપાત્ર દરે ઘટી રહ્યો છે. 1995 માં સૌથી વધુ નોંધાયેલ વાર્ષિક સરેરાશ 1,536 મીટર હતી.

2024 માં આ ઘટીને 1,048 મીટર થઈ ગઈ. આ ઘટાડાનો અર્થ એ છે કે હવે લગભગ એક તૃતીયાંશ ઓછી હવા વાતાવરણમાં ફેલાવવા માટે ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં નાસા સેટેલાઇટ, મોર્ડન-એરા રેટ્રોસ્પેક્ટિવ એનાલિસિસ ફોર રિસર્ચ એન્ડ એપ્લિકેશન્સનો ઉપયોગ કર્યો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.

પદાર્થો (એરોસોલ્સ) ની ઊંચી સાંદ્રતા પૃથ્વીની સપાટી પર પહોંચે તે પહેલાં સૌર કિરણોત્સર્ગને શોષી પણ લે છે. પીબીએલ વધારવા માટે સપાટીની ગરમી જરૂરી છે, જે પ્રદૂષણને લીધે વધી શકતી નથી. ઘટેલાં સૌર કિરણોત્સર્ગને લીધે આ પ્રક્રિયા અવરોધાય છે, તેમ યુનિવર્સિટીની ટીમના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button