
અમદાવાદઃ શહેરની હવા બગડી રહી છે. 2020 પછી આ વર્ષે જાન્યુઆરીમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 180 નોંધાયો છે. જે તેને ‘અસ્વસ્થ’ શ્રેણીમાં મૂકે છે. ગુજરાતમાં શિયાળાની પકડ મજબૂત થતા શહેરના પ્રદૂષણના સ્તરમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. 2020 પછી આ જાન્યુઆરીનો સૌથી વધુ AQI છે, તે સમયે 124 AQI નોંધાયો હતો, અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વખતે મોટો ઉછાળો જોવા મળ્યો છે.
તાપમાનમાં ઘટાડો અને વહેલી સવારે ધુમ્મસની સાથે પ્રદૂષણમાં આ વધારો થયો છે. ઠંડા અને શાંત પવનોને કારણે પ્રદૂષિત કણો જમીનની નજીક જકડાઈ રહ્યા છે, જેના પરિણામે સવારના સમયે આકાશમાં ધૂંધળું વાતાવરણ સર્જાય છે. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે પીક અવર્સ દરમિયાન મુસાફરોને મુશ્કેલી પડી હતી. ઐતિહાસિક રીતે, અમદાવાદનો જાન્યુઆરીનો AQI પ્રમાણમાં સ્થિર રહ્યો છે. 2021 માં 130, 2022 માં 117, 2023 માં 123, 2024 માં 119 અને જાન્યુઆરી 2025 માં 120. પરંતુ આ વર્ષે અચાનક 180 પર પહોંચેલો આ આંકડો છ વર્ષમાં સૌથી મોટો ઉછાળો છે.
આજકાલ પર્યાવરણીય પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે, અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ પ્રદૂષણનું સ્તર માપવા માટે ‘હવા ગુણવત્તા સૂચકાંક’ Air Quality Index – AQI નો ઉપયોગ થાય છે. AQI એ એક સરળ સાધન છે જે હવા કેટલી સ્વચ્છ અથવા પ્રદૂષિત છે તે દર્શાવે છે અને તેનાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે તેની જાણકારી આપે છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ મત મુજબ, ચાલો જાણીએ કેટલો AQI તમારા સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ શકે છે?
0-50: સારી – જ્યારે AQI 0 થી 50 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તાને ‘સારી’ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્ય પર ન્યૂનતમ અસર થાય છે. ખુલ્લી હવામાં ફરવા માટે આ શ્રેષ્ઠ સમયગાળો છે.
51-100: સંતોષકારક – AQI 51 થી 100 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા ‘સંતોષકારક’ કહેવાય છે. આ સ્થિતિમાં સંવેદનશીલ લોકોને, જેમ કે બાળકો, વૃદ્ધો અને શ્વસન રોગવાળા લોકોને, શ્વાસ લેવામાં થોડી અસ્વસ્થતા થઈ શકે છે. આવા લોકોએ લાંબા સમય સુધી બહાર રહેવાનું ટાળવું જોઈએ.
101- 200: મધ્યમ – જ્યારે AQI 101 થી 200 ની રેન્જમાં હોય, ત્યારે હવાની ગુણવત્તા ‘મધ્યમ’ ગણાય છે. આ સ્તરે ફેફસાં, અસ્થમા અને હૃદય રોગથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવી જોઈએ.
201- 300: નબળી – 201 થી 300 ની વચ્ચે હોય ત્યારે હવાની ગુણવત્તા ‘નબળી’ હોય છે. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં અસ્વસ્થતા થાય છે. સ્વસ્થ લોકોએ પણ બહાર ભારે કસરત કે પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ.
301- 400: ખૂબ નબળી – જ્યારે AQI 301 થી 400 ની વચ્ચે પહોંચે છે, ત્યારે હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ કહેવાય છે. આવા વાતાવરણમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવા સમયે શક્ય હોય તો ઘરની અંદર રહેવું અને દરવાજા-બારી બંધ રાખવા હિતાવહ છે.
401- 500: ગંભીર – AQI 401 થી 500 ની અત્યંત ઊંચી શ્રેણીમાં હોય ત્યારે હવાની ગુણવત્તા ‘ગંભીર’ ગણવામાં આવે છે. આ સ્થિતિ સ્વસ્થ લોકોને પણ અસર કરી શકે છે અને જે લોકોને પહેલાથી કોઈ રોગ હોય તેમના માટે તે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે. આવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવા જોઈએ.
આ પણ વાંચો…દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ભયાનક સ્તરે; AQI 390 પાર, ઓરેન્જ એલર્ટ જાહેર…



