અમદાવાદ

અમદાવાદ એરક્રેશઃ આ સાત પરની ઘાત ટળી, ટિકિટ હતી પણ પ્લેનમાં ન બેઠા ને બચી ગયા

અમદાવાદઃ શહેરમાં ગુરુવારે થયેલા અતિ ભયાનક પ્લેનક્રેશમાં 241 યાત્રીના મૃત્યુ થયા અને એક ચમત્કારીક રીતે બચી ગયો. આ ઘટના બાદ ભરૂચની ભૂમિ ચૌહાણ, જે એરપોર્ટ માત્ર દસ મિનિટ મોડી પડી હતી, તેનાં સમાચાર વહેતા થયા હતા. પણ માત્ર ભૂમિ નહીં અન્ય ઘણા એવા નસબીદારો છે જેમની પાસે આ જ પ્લેનમાં જવાની ટિકિટ હતી, પરંતુ એક યા બીજા કારણે તેઓ જઈ શક્યા નહીં. આજે તેઓ ઈશ્વરનો આભાર માનતા થાકતા નથી, આ સાથે જે થાય તે સારા માટે થાય તે ઉક્તિ તેમના જીવનમાં સાચી પડી છે. આવો જાણીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે શું કહ્યું તે…

માએ રડતી આંખે દીકરાને રોક્યો ને…
કહેવાય છે કે જનની તેનાં સંતાન માટે કુદરત સામે પણ લડે છે. આવું જ કંઈક વડોદરાના યમન વ્યાસ સાથે પણ થયું. લંડનમાં વેરહાઉસમાં કામ કરતા યમન વ્યાસ માતા-પિતાને મળી ફરી જવા માટે તૈયાર હતા. ટિકિટ, બેગપેકિંગ બધુ જ તૈયાર હતું. બસ મમ્મી-પપ્પાના આર્શીવાદ લેવા અને તેમને આવજો કહેવા તેઓ ગયા અને અચાનક માતા ખૂબ જ ઈમોશનલ થઈ ગયાં અને દીકરાને થોડા દિવસ વધુ રોકાઈ જા એમ કહી વિનવવા લાગ્યાં. પિતાએ પણ કહ્યું કે માની ઈચ્છા છે તો થોડા દિવસ રોકાઈ જા. માનો અવાજ ભારે થઈ ગયો અને તેમની લાગણીઓ સામે યમન વ્યાસે લંડન જવાનું પડતું મૂક્યું. બપોરે જ્યારે પ્લેન ક્રેશના સમાચાર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે માતાને જાણે અંદેશો આવી ગયો અને તેણે મારો જીવ બચાવ્યો. આમ જોઈએ તો યમનના માતાએ તેમને બે વાર જન્મ આપ્યો તેમ કહેવાનું ખોટું નહીં કહેવાય.

એર ઈન્ડિયાના સ્ટાફે બચાવ્યો જીવ
અમદાવાદના ચાંદલોડિયામાં રહેતા જયમીન પટેલ અને પત્ની પ્રિયા પટેલને મિત્ર રોહિત યાદવે લંડન ફરવા બોલાવ્યા હતા અને મિત્ર સાથે આનંદની પળો માણવા આ કપલ બધી જ તૈયારી સાથે એરપોર્ટ પહોંચ્યું હતું. પણ એર ઈન્ડિયાના સ્ટાફે તેમના ડોક્યુમેન્ટ્માં કંઈક ઘટતું હોવાના સવાલો ઉઠાવ્યા હતા અને કપલના કરગરવા છતાં તેઓ માન્યા નહીં. વિલા મોઢે પટેલ કપલ એરપોર્ટ પર એક કલાક ઊભું રહ્યું અને પછી ઘરે પરત આવ્યું. પણ ઘરે પહોંચતા જ મિત્રનો ફોન આવ્યો અને ક્રેશના સમાચાર ટીવી પર જોવા કહ્યું. કપલ કહે છે કે અમને આ પહેલા ઈશ્વરની કૃપાનો આવો અનુભવ ક્યારેય નથી કર્યો આ સાથે અમે એરપોર્ટ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ.

બધું જ બરાબર હતું બસ મારું દિલ કહી રહ્યું હતુ કે…
અમદાવાદના નિકોલમાં સવજી ટિંબાડીયા દીકરાને મળવા લંડન જવાના હતા. બધુ જ બરાબર હતું પણ સવજીભાઈનું દિલ જાણે સિગ્નલ આપી રહ્યું ન હતું. તેમણે પોતાના દિલની વાત માની અને ગુરુવારે સવારે અચાનક દીકરાને ફોન કર્યો કે હું આજની ફ્લાઈટમાં નથી આવતો. દીકરાએ કારણ પૂછ્યું પણ સવજીભાઈ પાસે કોઈ જવાબ ન હતો. બસ મન નથી આવવાનું કહી તેમણે ટિકિટ કેન્સલ કરાવી. બપોરે મિત્રએ મેસેજ કર્યો કે ટીવી ચાલુ કરી ન્યૂઝ જો. સવજીભાઈ અને દીકરાએ જે હાશકારો અનુભવ્યો છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

આ બન્નેને કામની વ્યસ્તતાએ બચાવ્યા
વડોદરામાં ગરબા ઑર્ગેનાઈઝ કરતા જયેશ ઠક્કર કોઈ કામથી કોલકાત્તા ગયા હતા. તેમના શિડ્યુઅલ પ્રમાણે તેમણે આ ફ્લાઈટમાં લંડન જવાનું હતું, પરંતુ કોલકાત્તાનું કામ પૂરું ન થયું અટલે તેમણે પ્લાનમાં ફેર કર્યો. કુદરતે તેમની માટે લાંબુ જીવવાનું પ્લાન કર્યું હતું તે જયેશને પછીથી સમજાયું. તો બીજી બાજુ આ ઘટનાના એક કરૂણ બનાવમાં બે નાની દીકરી 20 દિવસમાં માતા-પિતા વિના થઈ ગઈ છે. માતાને કેન્સર હતું અને તે મૃત્યુ પામી એટલે પિતા તેમની અસ્થિ વિર્સજન કરવા પોતાને ગામ (અમરેલી જિલ્લા) આવેલા હતા. પિતા અર્જુન પાટોલિયા બે દીકરી પાસે ફરી લંડન જવા માગતા હતા ત્યારે તેમણે તેમના સસરા રવજી પટેલને પણ સાથે આવવા કહ્યું. પણ પોતાને અમુક કામ હોવાથી 15 દિવસ પછીની ટિકિટ બુક કરવાનું રવજીભાઈએ નક્કી કર્યું અને તેમનો જીવ તો બચી ગયો, પરંતુ અર્જુનનો જીવ ગયો. રવજીભાઈએ માત્ર 20 દિવસમાં દીકરી અને જમાઈને ગુમાવી દીધા.

આપણ વાંચો:  જામનગરના ધાર્મિક સ્થળમાં સ્વિમિંગ પુલ, બાથટબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ…

અમદાવાદનો ટ્રાફિક ફરિશ્તા બની આવ્યો..
ભૂમિ ચૌહાણ વિશે તો સહુ કોઈ જાણે છે. અંકલેશ્વરથી નીકળેલી ભૂમિ પતિ અને સંતાનો પાસે ફરી લંડન જઈ રહી હતી, પંરતુ અમદાવાદમાં ટ્રાફિકમાં ફસાવાને લીધે એરપોર્ટ માત્ર 10 મિનિટ મોડી પડી. ઘણી વિનંતીઓ છતાં ફ્લાઈટ એટેન્ડ કરવા ન મળી અને ભૂમિ નિરાશ થઈ પાછી ફરી. હજુ તો ઘરે ન પહોંચી ત્યાં સમાચાર આવ્યા. ભૂમિ ગણપતી બાપ્પાને આનો શ્રેય આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button