
વડોદરા/અમદાવાદઃ વડોદરામાં પીઆઈના નામે રૂપિયા 2.50ની લાંચ લેતા વેપારીને અમદાવાદ એસીબીએ ઝડપી પાડ્યો હતો. ફરિયાદીની વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 329 ની જમીન પર એક અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવતું હોવાની ફરિયાદીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી. આ અરજીના આધારે સામેવાળા પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણીએ વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી હતી.
આરોપી સુરેશ તોલાણીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, વારસિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. વસાવા સાહેબના નામે ફરિયાદ દાખલ કરવા માટે ₹5,00,000 આપવા પડશે. જેમાંથી ₹2,50,000 ફરિયાદ નોંધાય તે પહેલા અને બાકીના ₹2,50,000 ફરિયાદ નોંધાયા બાદ આપવાનું નક્કી થયું હતું. લાંચ આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે અનુસાર,ગુરુવારના રોજ વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી ‘અનુભવ એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જ્યાં આરોપી સુરેશ તોલાણી ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તા પેટે ₹2,50,000સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વારસિયા પોલીસ મથકના પી આઈ વસાવાએ જણાવ્યું હતું કે, હું આ લાંચ માંગનાર વ્યક્તિને ઓળખતો નથી. આ મારા નામે લાંચ માંગી જે તે મને જાણ થઈ. આ બાબતમાં હું કઈ જાણતો નથી અને હું મારી ફરજ પર હાજર છું.



