ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત મામલે હોસ્પિટલના સત્તાધીશોનો ઉડાઉ જવાબ
અમદાવાદ: અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતના મામલે વિવાદના ઘેરામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે. આજ સવારથી જ હોસ્પિટલમાં બે લોકોમાં મોતને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ ઘટનાનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે. દર્દીઓના પરિવારજનોના હોબાળા વચ્ચે હોસ્પિટલમાં CEO અને ડિરેક્ટરે પોતાના બચાવના ઉડાઉ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં, સ્ટેન્ટ મુકતા બે દર્દીના મોતનો આક્ષેપ
તમામ દર્દીઓ પોતાની મરજીથી આવ્યા:
હોસ્પિટલને લઈને શરૂ થયેલા વિવાદને પગલે સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે. પરિવારજનોના હોબાળા બાદ જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. મૃતક દર્દીઓના પરિવારજનોના હોબાળા વચ્ચે હોસ્પિટલમાં CEO અને ડિરેક્ટરે પોતાના બચાવમાં ઉડાઉ જવાબ આપ્યો છે. હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે તેમના નિવેદનમાં જણાવ્યું કે, રવિવારે કડીના બોરિસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી 20 જેટલાં દર્દીઓને આગળ ત્વરિત સારવારની જરૂર હોવાથી અમારી હોસ્પિટલ આવવા માટેની સલાહ આપવામાં આવી હતી. કોઈપણ દર્દીને જબદસ્તી અહીં લાવવામાં નથી આવ્યાં. તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે.
સરકારી તબીબોની ટીમ પહોંચી:
ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર મળતાં જ સરકારી તબીબોની ટીમને રવાના કરી દેવામાં આવી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે અને જે દર્દીઓને સારવારની જરૂર જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરવા માટે પણ કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે.
આ પણ વાંચો: પ્લેસમેન્ટ માટે નવા કપડાં સિવડાવવા ગયેલા યુવાનની નજીવી બાબતે હત્યાથી ખળભળાટ
સિવિલમાં થશે પોસ્ટમાર્ટમ:
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે શરૂ થયેલા વિવાદના હવે તપાસની શરૂઆત કરવામાં આવી છે. મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે એડી નોંધીને તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.
શું છે વિવાદ:
પ્રાપ્ત વિગતો અનુસાર કડી તાલુકાના બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં હાર્ટ સંબંધિત સમસ્યાની તપાસ કરવામાં આવી હતી. જેમાં વધારે સારવારની જરૂર હોય તેવા 19 લોકોને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાંના કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફી અને અમુકની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા બાદ બે લોકોના મોત થયા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.