
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતાં. આ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાઈ હતી. આ ઘટનાની તપાસમાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તપાસ એજન્સીઓએ સોનું અને રોકડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
કેટલાક ઘરેણા પણ મળ્યા હોવાની વિગતો
આ દરોડાની પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં 100 કિલો સોનું છુપાવી રાખવામાં આવ્યું હોવાની બાતમી મળતાં એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જ્યાંથી 95.5 કિલો સોનું ઝડપાયું હતું જેની બજાર કિંમત અંદાજિત 78 કરોડ રૂપિયા જેટલી થાય છે. તે ઉપરાંત 60 લાખની રોકડ પણ જપ્ત કરાઈ હતી. આ ઉપરાંત કેટલાક ઘરેણા પણ મળ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો…શકિતપીઠ Ambaji ના વિકાસ માટે 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ અમલી કરાશે
મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો
આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા હતાં. આ ફ્લેટમાં અનેક લોકો આવતાં જતાં હોવાનું તપાસ એજન્સીઓના અધિકારીઓને જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે.
શેરબજારના દલાલની પૂછપરછ
ગુજરાતમાં તાજેતરમાં રેડ દરમ્યાન પ્રથમ વાર આટલી મોટી રિકવરી મળી આવી છે. ડીઆરઆઈની ટીમને ફ્લેટમાંથી એક બંધ બોક્સ મળ્યું. જ્યારે તે ખોલવામાં આવ્યું ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. તમામ મુદ્દામાલને કેમેરાની દેખરેખ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. જયારે શેરબજારના દલાલની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સોનાનો જથ્થો ક્યાંથી આવ્યો તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.