અહમદ પટેલનો દીકરો નરેન્દ્ર મોદી પર ઓળઘોળ, શું કર્યા વખાણ ? કોંગ્રેસની કેવી કાઢી ઝાટકણી ? | મુંબઈ સમાચાર

અહમદ પટેલનો દીકરો નરેન્દ્ર મોદી પર ઓળઘોળ, શું કર્યા વખાણ ? કોંગ્રેસની કેવી કાઢી ઝાટકણી ?

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીક રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તે ઉપરાંત તેમણે કોંગ્રેસના વર્તમાન નેતૃત્વ અને નેતાઓને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેના કારણે તેઓ ફરી એકવખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે લે ફૈઝલ પટેલના પિતા અહેમદ પટેલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ખુબ જ નજીકના નેતા ગણાતા હતા. જો કે તેમના જ દીકરા ફૈઝલે કોંગ્રેસથી છેડો ફાડી લીધો હતો અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

પીએમ મોદીના કર્યા વખાણ

તાજેતરમાં જ એક આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેનાથી સારું ન થઇ શકે. ઓપરેશન સિંદૂર મુદ્દે વાત કરતા તેમણે પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે દેશને એક મોટા સંકટમાથી ઉગારી લીધો. તેમણે કહ્યું કે સૈન્ય દળોએ સારું કામ કર્યું, મને આપણા જવાનો, સૈન્ય દળો પર ગર્વ છે. જો કે તેમણે કહ્યું કે તેઓ થોડા સમય માટે રાજનીતિથી દૂર છે પરંતુ તેઓ કોંગ્રેસ પરિવારના સભ્ય છે. ફૈઝલ પટેલે વિદેશ પ્રધાન એસ. જયશંકરનાં પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું જયશંકરજીનું ખુબ જ સન્માન કરું છું. જે રીતે પીએમ મોદીએ બ્યુરોક્રેટ્સને નેતા બનાવ્યા છે અને તેમને મંત્રાલયની જવાબદારી સોંપી છે તે ખુબ સારું છે.

રાહુલ ગાંધી અંગે આપ્યું નિવેદન

આ ઇન્ટરવ્યું દરમિયાન ફૈઝલ પટેલે કોંગ્રેસના નેતૃત્વ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી એક મહેનતું નેતા છે. કોંગ્રેસમાં કેટલાક ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી નેતાઓ છે, જેમ કે શશિ થરૂર, ડી.કે. શિવકુમાર, રેવંત રેડ્ડી, દીપેન્દ્ર હુડ્ડા અને સચિન પાયલટ. આ બધા ખૂબ જ સક્ષમ નેતાઓ છે. પાર્ટીમાં આંતરિક સમસ્યાઓ છે અને મારું માનવું છે કે જે વરિષ્ઠ નેતાઓ પાર્ટી ચલાવી રહ્યા છે, તેમને યોગ્ય સલાહ મળતી નથી. તેમના સલાહકારો સારું કામ કરી રહ્યા નથી. તેઓ આવે છે અને જાય છે. વરિષ્ઠ નેતાઓની સલાહ પર ધ્યાન આપવામાં આવતું નથી.”

કોંગ્રેસ પોતાની જ દુનિયામાં છે

ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટીની આલોચના કરતા કહ્યું હતું કે, “તેઓ પોતાની જ દુનિયામાં છે. કોંગ્રેસની એક ખુદની દુનિયા ચાલી રહી છે. તેઓ દિશાહીન છે. આ જ ભાજપની રણનીતિ છે. તેઓ ફક્ત સંપૂર્ણ નિયંત્રણ મેળવવા અને અન્ય દરેક રાજકીય પક્ષને બંધ કરવા માંગે છે.”

આપણ વાંચો:  ક્ષત્રીય સમાજને લઈને આપેલા નીવેદનના મુદ્દે વધુ એક ભાજપના નેતા વિવાદમાં ફસાયા! રાજવી સાથે જ થઇ ગઈ બોલાચાલી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button