
અમદાવાદઃ શહેરરમાં મેડિકલ ગ્રાઉન્ડ પર લિકર (હેલ્થ) પરમિટ ધારકોની સંખ્યા વધી રહી છે. નવી અને રિન્યુઅલ ફીમાં તોતિંગ વધારો થયો હોવા છતાં અમદાવાદમાં એક જ વર્ષમાં લિકર પરમિટ ધારકોની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી પરમિટ મેળવનારા અરજદારો અને સિવિલ હોસ્પિટલ બંનેમાં ખુશી જોવા મળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલે 2025માં લિકર પરમિટ ફી પેટે રેકોર્ડબ્રેક રૂ. 5.96 કરોડની કમાણી કરી છે. 19 નવેમ્બર 2025થી નવી અને રિન્યુઅલ બંને પરમિટ માટેની મેડિકલ ટેસ્ટ ફીમાં 25 થી 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી આ આવક આગામી વર્ષે હજુ વધવાની શક્યતા છે.
પરમિટ કેવી રીતે મેળવી શકાય?
સરકારી નિયમો મુજબ, અનિદ્રા અને તણાવ જેવી બીમારીઓથી પીડાતા લોકો મેડિકલ ગ્રાઉન્ડ પર લિકર પરમિટ મેળવી શકે છે. અરજદારોએ નશાબંધી વિભાગમાં અરજી કરવાની હોય છે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવો પડે છે અને ‘રોગી કલ્યાણ સમિતિ’માં ફી જમા કરાવવી પડે છે. મેડિકલ રિપોર્ટના આધારે પરમિટ આપવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલે 2024માં 290 નવી પરમિટ આપી હતી, જે 2025માં અત્યાર સુધીમાં વધીને 833 થઈ છે. પુરુષોની સાથે મહિલા પરમિટ ધારકોની સંખ્યા પણ વધી છે. 2024માં 219 મહિલાઓને પરમિટ મળી હતી, જે 2025માં વધીને 235 થઈ છે. પરમિટ ફીમાંથી થતી આવક ‘રોગી કલ્યાણ સમિતિ’માં જાય છે, જેના કારણે 2025માં સિવિલ હોસ્પિટલને મોટી રકમ મળી છે.
ફીમાં 25-30 ટકાનો વધારો
ચાલુ વર્ષ દરમિયાન નવી લિકર પરમિટની ફી રૂ. 20,000 અને રિન્યુઅલ ફી રૂ. 14,000 હતી. જોકે, 19 નવેમ્બર 2025થી સિવિલ હોસ્પિટલે આ દરોમાં વધારો કર્યો છે. નવી પરમિટની ફી રૂ. 25,000 અને રિન્યુઅપલ ફી રૂ. 20,000 કરવામાં આવી છે. જેના કારણે 2026માં લિકર પરમિટથી થનારી આવક વધવાની શક્યતા છે.
આ પણ વાંચો…કોણે કહ્યું દારૂબંધી છે?: લિકર પરમિટ મેળવવામાં અમદાવાદીઓ ગુજરાતમાં મોખરે…



