સાણંદમાં યુવતી અને બાળકીની હત્યા બાદ ગળું કાપી પ્રેમીનો આપઘાત;સુસાઇડ નોટમાં કર્યો આ ઉલ્લેખ | મુંબઈ સમાચાર
અમદાવાદ

સાણંદમાં યુવતી અને બાળકીની હત્યા બાદ ગળું કાપી પ્રેમીનો આપઘાત;સુસાઇડ નોટમાં કર્યો આ ઉલ્લેખ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં બનેલા હત્યાના બનાવોથી ભારે ચકચાર મચી છે. ત્યારે આવો જ એક સનસનીખેજ કિસ્સો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાળ ગામમાં શુક્રવારે મોડી સાંજે હત્યા અને આત્મહત્યાની એક ગંભીર ઘટના સામે આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અહીં એક ૩૫ વર્ષીય યુવક, તેની પ્રેમિકા અને તેની બે વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા, જે હત્યા-આત્મહત્યાનો કેસ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃતક યુવકની ઓળખ રણછોડ પરમાર તરીકે થઈ છે. તેણે પહેલા તેની પ્રેમિકા અને તેની બાળકીની હત્યા કરી અને પછી તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગળું કાપીને આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રમેશ પરમાર એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને છેલ્લા લગભગ ૨૦ દિવસથી લોદરિયાળમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે પરિણીત હતો અને તેની પત્ની દ્વારા કરવામાં આવેલો ભરણપોષણનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો.

રમેશ પરમાર મૃતક યુવતી સાથે સંબંધમાં હતો, જેને તેના અગાઉના લગ્નથી બે વર્ષની દીકરી હતી. શુક્રવારે આ યુવતી અને તેની દીકરી પરમાર સાથે તેના ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. તે જ સાંજે, ત્રણેયના મૃતદેહ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા સાથે મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, રમેશ પરમારે આઠ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે સમગ્ર ઘટનાક્રમ સમજાય છે.

સુસાઇડ નોટમાં લખ્યું છે કે, તે તેની પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરવા માંગતો હતો કારણ કે એક અન્ય વ્યક્તિ, જે યુવતી સાથે સંબંધમાં હતો, તેના દ્વારા તેને ધમકીઓ મળી રહી હતી. તેણે ઉલ્લેખ કર્યો છે કે તે આ પરિસ્થિતિને કારણે થતા તણાવ અને અપમાનને સહન કરી શક્યો નહીં. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, “પ્રાથમિક તપાસ અને નોટની વિગતો પુષ્ટિ કરે છે કે રમેશ પરમારે પહેલા તેની પ્રેમિકા અને તેની બાળકીની હત્યા કરી અને પછી પોતાનો જીવ લીધો હતો. ગળાના ભાગે ઠેલા ઘાને કારણે મૃત્યુ થયા છે.”

પોલીસે સુસાઇડ નોટની હસ્તપ્રત ચકાસણી માટે કબજે કરી છે અને પરમાર દ્વારા ઉલ્લેખ કરાયેલી ધમકીઓની સત્યતા જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટનાઃ સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button